ઉજ્જૈન જવાના ઘણા કારણો હતા..મહાકાલ ને મળવાનો ઉંમળકો તો ખરો જ પણ ઘણા વર્ષોથી મનમાં જ સમેટાઈને બેઠેલા પ્રશ્નોરૂપી તોફાનો.. બે વર્ષ પહેલાં જ કાળીદાસને વાંચેલા.ત્યારે તેમના ઘણા કાવ્યોમાં “ગઢ કાલિકા” મા નું વર્ણન હતું. તેઓ કાલિકા દેવીના ભક્ત અને ઉપાસક હતા તેવું જાણવા મળેલું.
વાંચનમા ઊંડા ઉતરતા જાણવા મળેલું કે કાલિદાસ રચિત “શ્યામલા દંડક”મહાકાળી સ્ત્રોત એ કાળીદાસની અદ્ભૂત રચના છે.તેમાં તેમણે માતાજીની ઉપાસના કરી છે.જયારે એવી ખબર પડી કે “ગઢ કાલિકા “માતાજીનું મંદિર ઉજ્જૈનમાં આવેલું છે ત્યારે મનમાં નક્કી કરેલું કે એકવાર ત્યાં જવું.મા ના દર્શન પણ થશે અને વાંચેલું જોવા પણ મળશે.ત્યાં પહોંચ્યા પછી એક અલગ જ પ્રકારની અનુભૂતિ થઇ એવુ લાગ્યું કે જાણે મા હાજરાહજુર અહીંયા હોય.
હવે વાત કરું કાલિદાસ ની તો કવિ કાલિદાસ અને મા કાલિકા નો શું સંબંધ છે તો ઇતિહાસ પ્રમાણે એક દિવસ કવિ કાલિદાસ વૃક્ષની જે ડાળી પર બેઠા હતા તે જ ડાળી કાપવા જઈ રહ્યા હતા. તેમના આ મુર્ખામી ભર્યા વર્તનથી તેમના પત્ની વિદ્યોતમા ને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમને મૂર્ખનું બિરુદ આપ્યું.
પત્નીના આવા વેણ સાંભળી કાલિદાસજી ને ખૂબ ખોટું લાગ્યું અને તેમણે કાલિકા માતાજીની આ જ સ્થળે બેસીને ઉપાસના કરી અને તે સ્થળે માતાજીની સ્થાપના કરી.અને મા ને કહ્યું મા મને મૂર્ખમાંથી વિદ્ધાન બનાવી દે અને કહેવાય છે આ પ્રસંગ પછી જ મહાકવિ કાલિદાસ એ મોટા મહાકાવ્યોની રચના કરી અને તેમને મહાકવિનું બિરુદ મળ્યું.. આથી જ “ગઢ કાલિકા “મા ને વિદ્યા અને વિદ્ધતાની દેવી કહેવામાં આવે છે.
ગઢ કાલિકા મા ના દર્શનાર્થે રોજ લાખો લોકોની ભીડ ઉમટે છે. કહેવાય છે આ મંદિરની સ્થાપના મહાભારત ના સમયમાં થયેલી. આ મંદિરનો જીણોદ્ધાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવેલો. આમ તો આ મંદિરનો સમાવેશ શક્તિપીઠમાં થતો નથી પરંતુ ઉજ્જૈનમાં આવેલા હરસિદ્ધ માતાજીનું મંદિર શક્તિપીઠ હોવાના કારણે આ મંદિરનું મહત્વ વધી જાય છે.
કહેવાય છે કે ક્ષિપ્રા નદીના કિનારાની અડોઅડ આવેલા ભૈરવ પર્વત પર ભગવતી સતીનો હોઠનો ભાગ પડેલો અને તે જ સ્થળે મા કાલિકા સ્વરૂપે ત્યાં પ્રગટ થયાં..
મા “ગઢ કાલિકા “ના આંગણે આવેનું વૃક્ષ હજારો વર્ષ પહેલાંનું છે કહેવાય છે ત્યાં કાળો દોરો બાંધવાથી ખરાબ વસ્તુઓ દૂર રહે છે, કાલિદાસ જેવી વિદ્ધતા અને પ્રતિભા આવે છે અને મા ધારેલા કામ પાર પાડે છે.. મા સૌને ફળજો 🙏🙏
સૂચિતા ભટ્ટ “કલ્પનાના સુર”