અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો પાયો નાખનારા નેફ્રોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીને શિક્ષક દિનને અનુલક્ષીને આઇ.કે.ડી.આર.સી. દ્વારા શ્રધ્ધાસુમુન અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા. પોતાના વિધાર્થીઓને સફળતા અને ઓળખાણના માર્ગ તરફ સતત દોરનાર શ્રેષ્ઠ શિક્ષક એવા ડૉ. એચ. એલ. ત્રિવેદીને તેમના સમર્પણ માટે સમગ્ર ઇન્સ્ટીટ્યુટ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આ વર્ષે ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ના વર્તમાન નિયામક ડૉ. વિનીત મિશ્રા કે જેઓ ડૉ. ત્રિવેદીના શિષ્ય રહી ચૂક્યા છે તેઓએ શિક્ષક દિનના પ્રસંગે શિક્ષક, સંરક્ષક અને માર્ગદર્શકના રૂપમાં રહેલી પોતાના ગુરૂની ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તબીબી વ્યવસાયિકતામાં શ્રેષ્ઠતા, સંસ્થાના નિર્માતા, ગરીબોની સેવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનારા સ્વર્ગસ્થ ડૉ. ત્રિવેદી પોતાની યશ કલગીમાં અનેક પીછા ધરાવે છે તેમ ડૉ. મિશ્રા એ ઉમેર્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે સ્વર્ગસ્થ ડૉ. ત્રિવેદીએ મારામાં રહેલી વચનબદ્ધતા અને છૂપાયેલી પ્રતિભાને શોધી હતી. તે સમયે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી હતો. રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે હું ડૉ. ત્રિવેદીની મુલાકાત લેતો હતો. ડૉ. ત્રિવેદી પણ આઇકેડીઆરસીના સ્થાપના કરવાની પ્રક્રિયામાં હતા, તેમણે તુર્તજ મારામાં રહેલી સંશોધનશીલતા અને મૂલ્યને ઓળખ આપી.
“આ યુવક આપણી સાથે જોડાય તો તે આપણી અણમોલ સંપત્તિ હશે,” તેમ ડૉ. ત્રિવેદીએ પોતાની આત્મકથા ‘ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની’માં જણાવ્યું છે. ત્યારબાદ હું સંસ્થાના બોર્ડ સાથે જોડાયો અને આઈકેડીઆરસીના OBGYN વિભાગનો વિકાસ કર્યો.
આઇકેડીઆરસી ખાતે મારા કાર્યથી પ્રભાવિત થઇ અન્ય એક પ્રકરણમાં ડૉ. ત્રિવેદીએ એમ કહી વખાણ કર્યા, “સંસ્થા અને વ્યક્તિગત રીતે મારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સામે સવાલ ઉઠાવી શકાય તેમ નથી!” ડૉ. ત્રિવેદીના આશીર્વાદથી તેનુ તાર્કિક ફલન થયું જ્યારે મારી આઈકેડીઆરસીના નિયામક તરીકે વરણી કરવામાં આવી, જેની સ્થાપના ડૉ. ત્રિવેદીએ પોતે જ કરી હતી. ગુરૂ-શિષ્યના વચ્ચેના બંધનની સાચી ઉજવણી!
ડૉ. મિશ્રા તે સમયની યાદને તાજી કરે છે અને પોતાના ગુરૂ અને માર્ગદર્શક પ્રત્યે પોતાને કૃતજ્ઞ અનુભવે છે. “ડૉ. ત્રિવેદી એક પ્રકાશપુંજ જેવા હતા, જેઓએ મને સફળતાના માર્ગ તરફ દોર્યો. તેમને હંમેશા તબીબી સહાયની જરૂર હોય તેવા ગરીબો પ્રત્યે સહાનુભૂતિ અને કરૂણા રહેતી.” ડૉ. મિશ્રાએ યાદોને વાગોળતા જણાવ્યુ. આગળ વિગતવાર જણાવતા તેઓ કહે છે કે ડૉ. ત્રિવેદીએ વંચિત લોકોની મદદ માટે આઈકેડીઆરસીના સ્થાપના કરી અને સંસ્થાને પરોપકારના પાસા પર લાવ્યા જેથી અમીરો તરફથી ગરીબોને મદદ મળી શકે. “રસપ્રદ રીતે, શિક્ષક દિવસની સાથે-સાથે આ દિવસની આંતરરાષ્ટ્રીય ચેરીટી દિવસના રૂપમાં પણ ઉજવણી કરવામાં આવે છે, હું મારા ગુરૂને નમન કરૂં છું જેઓ ન માત્ર મારા જીવન અને કારકિર્દીમાં મહાન મૂલ્યતા લાવ્યા, પરંતુ રેનલ કેરની જરૂરિયાત વાળા હજારો લોકોની જિંદગીમાં પણ મૂલ્યતા લાવ્યા છે.” ડૉ. મિશ્રાએ વિશેષમાં જણાવ્યું હતુ.