જામનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ચાર મહાનુભાવોને ડૉક્ટર ઓફ લિટરેચર અને ૭૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૮મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા અને વિશેષ અતિથિ તરીકે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.
આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમજ ડી. લિટ.ની પદવી આપવામાં આવી તે ચાર મહાનુભાવોને રાજ્યપાલએ અભિનંદન પાઠવ્યા હતા.
ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર પદ્મશ્રી મેળવનાર વૈદ્યશ્રી ગુરદીપસિંઘ, ડો. પરબાઈ મીનુ હીરાજી, ઇન્દુમતી કાટદરે અને ડૉ. મનોરંજન સાહૂને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમજ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી, એમએસ અને પીએચડી મળી કુલ ૭૪૧ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ મેડલ અને રજત મેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ચાર યુનિવર્સિટીઓએ એમ. ઓ. યુ. કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુકુલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ,આયુષ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશભાઈ પટણી, ઇટરા ના ડાયરેક્ટર અનુપ ઠાકર, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, કલેકટર બી.એ.શાહ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, અગ્રણીશ્રી ડૉ.વિમલભાઈ કગથરા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રભારી રજિસ્ટ્રાર એચ. પી. ઝાલા, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચન્સલેસરશ્રીઓ, આચાર્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.