અંકલેશ્વર-હાંસોટના 6 પોલીસ મથકમાં વર્ષ 2022 માં પકડાયેલા રૂ.1.27 કરોડના દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 96,895 બોટલ પર કડકિયા કોલેજ બાજુમાં અવાવરું રોડ પર નાશ કરાયો હતો.જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
અંકલેશ્વર ડિવિઝન હેઠળ આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, જીઆઇડીસી પોલીસ અને પાનોલી પોલીસ મથક વર્ષ 2022 દરમિયાન 74 જેટલા ગુનામાં ઝડપી પાડેલા ઈંગ્લીશ દારૂનો નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપી હતી. જેથી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ, એસ.ડી.એમ નતિશા માથુર અને મામલતદાર અંકલેશ્વર કરણસિંહ રાજપુતની ઉપસ્થિતિ દારૂ નાશની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.
જેમાં તમામ પોલીસ મથકોના પી.આઈ. તેમજ પી.એસ.આઈ. ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલો દારૂનો જથ્થો કડકિયા કોલેજ ખાતે આવેલા અવાવરું માર્ગ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસના કોર્ડન હેઠળ માર્ગ પર ઠાલવવા માં આવ્યો હતો. અને ત્યાર બાદ રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના નાશની પ્રક્રિયા 3 કલાક સુધી ચાલી હતી.
અંકલેશ્વર GiDC પોલીસે 15 કેસ કરીને બોટલ નંગ 57,907 મળીને કુલ રૂ. 74,14,000 નો મુદ્દામાલ પકડાયો હતો. જ્યારે પાનોલી પોલીસે 02 કેસ બોટલ નંગ 9,814 મળીને કુલ 11,96,760 , એ ડિવિઝન પોલીસે 24 કેસ કરીને બોટલ નંગ1,458 મળીને કુલ 2.44.550,અંકલેશ્વર તાલુકા પોલીસે 06 કેસ કરીને બોટલ નંગ 3905 મળીને કુલ 5,63,140 ,હાંસોટ પોલીસે 09 કેસ કરીને બોટલ નંગ 4257 મળીને કુલ 4,72,600 અને બી ડિવિઝન પોલીસે 16 કેસ કરીને બોટલ નંગ 23,386 મળીને કુલ 28,82,770 નો ગણીને કુલ 74.કેસો બોટલ નંગ 96,895 મળીને કુલ 1,27,73,830નોમુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.