અંકલેશ્વરની સુપર માર્કેટ નજીકથી એલસીબી પોલીસે શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલા આઇસર ટેમ્પા સાથે ત્રણ શખ્સની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ. 7 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન ભરૂચ તરફથી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલો આઇસર ટેમ્પો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવી રહ્યો હોવાની ટીમના સભ્યોને માહિતી મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વરના સુપર માર્કેટ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા લોખંડના પતરાના ટુકડા સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક રીઝવાન શેખ તેમજ ટેમ્પામાં સવાર નરપતસીંગ રાજપુરોહિત અને શેતાનસીંગ રાજપુરોહિત પાસે લોખંડના ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા અને બિલ માંગતા તેઓ પાસે કોઈ રજૂ ન કરી અને સંતોષકારક જવાબ નહીં આપતા એલસીબી પોલીસે ત્રણેયની ધરપકડ કરી રૂ. 2 લાખ 28 હજારનો લોખંડના ભંગારનો જથ્થો અને 5 લાખનો ટેમ્પો, મોબાઈલ મળી કુલ રૂ. 7.લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.