અંકલેશ્વરમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના ઇલેક્ટ્રીક વીજ લાઈન ટાવરમાંથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ચોરી કરીને તેને જુના દિવા ગામની સીમમાં ગાય વસીયા વગામાં પાસે આવેલી બાવળની ઝાડીમાંથી નટ બોલ્ટ ભરેલી બોરીઓ સગેવગે કરતા ચાર ઈસમોને શહેર એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ટીમ શહેર વિસ્તારમાં વણઉકેલ્યા ચોરીના ગુનાના ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ત્યારે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, જુના દિવા ગામની સીમમાં ખાલપીયા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલા ગાય વસીયા વગામાં બાવળની ઝાડીઓમાં નટ બોલ્ટ ભરેલી ચાર બોરીઓ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે.
જેના આધારે PSI એ.એસ.ચૌહાણની ટીમ દ્વારા માહિતીવાળા સ્થળ પર સર્ચ કરતા નટ બોલ્ટ ભરેલા 12 કોથળા સગેવગે કરતા ચાર ઈસમો રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ભરેલા 12 બોરી કિંમત રૂપિયા 60,000 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 10,000 મળી કુલ 70 હજારનો મુદ્દામાલ 41 (1) ડી મુજબ જપ્ત કર્યો હતો. જ્યારે સરફુદ્દીન ગામના ખાલપીયા ખાતે રહેતા લક્ષ્મણ જશવંત વસાવા, વિશાલ રેવા દાસ વસાવા, અનિલ સોમા વસાવા અને સ્વપ્નીલ રાજેશ વસાવાની સી.આર.પી.સી 102 મુજબ અટક કરીગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરી હતી.
આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, 20 દિવસ પૂર્વે જુના દીવા ગામની સીમમાં તાડવાડીમાં એસ.આર.પાવરના ટાવર ઉભા કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના ઇલેક્ટ્રીક વીજ લાઈન ટાવરમાંથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ચોરી અંગે ઇજારદારને જાણ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.