અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર પિતરાઈ ભાઈને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી હતી. આ મમાલે સગીરાની માતાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તેમજ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલા બહુર્વિદ્ધ વિસ્તારમાં પર પ્રાંતીય સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યાં પુનઃ એકવાર સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય પરિવારની 16 વર્ષ અને 9 માસની પુત્રીને ઉત્તર પ્રદેશમાં રહેતો સગો ભત્રીજા રાહુલ ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગ પાલ દ્વારા ગત 16મી એપ્રિલના રોજ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
પરિવારજનોએ સગીરાની શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતા તેના પિતરાઈ ભાઈ રાહુલ ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગપાલ ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે સગીરાની માતાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ તેમજ અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરુ કરતા સગીરા અને તેને ભગાડી જનાર પિતરાઈ અમદાવાદના મીની છારા નગર પટેલ ટ્રાન્સપોર્ટ નજીક સરખેજ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
જેના આધારે પોલીસની એક ટીમ અમદાવાદ મોકલી સ્થાનિક પોલીસની મદદ મેળવી સગીરાને ભગાડી જનાર રાહુલ ઉર્ફે ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગપાલને ઝડપી પાડયો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઇ આવી હતી. પોલીસે તેમનું તબીબી પરીક્ષણ કરાવી અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વધુ તપાસ આરંભી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.