વડોદરા: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ રવિવારે તારીખ ૨૧ મે ના રોજ વડોદરા ખાતે રૂ. ૪૮ કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું લોકાર્પણ કરશે.
આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધ ના નમુનાઓનું પૃથ્થક્કરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.
રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં કાર્યરત બનશે. આમ હાલ રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે.વધુમાં ગુજરાત ના દક્ષિણ વિસ્તારના સુરત ખાતે નવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નવીન પ્રયોગશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે .જેના થકી ખોરાક અને દવાના નમુના ની ચકાસણીમાં વધારો થશે
તેમજ ચકાસણી સમયમાં પણ ઘટાડો થશે જેના થકી જાહેર આરોગ્યને સાચવવામાં વધુ સફળતા મળશે. સુરત ખાતેની આ નવિન લેબોરેટરી ટૂંક સમયમાં નિર્માણ પામશે. વડોદરા ખાતે લોકાર્પણ થનાર લેબ ૧૬૦૦૦ ચો.મીટરથી વધુનો વિશાળ વિસ્તાર ધરાવતા દશમાળના અત્યાધુનિક બિલ્ડીંગમાં નિર્માણ પામેલ છે.
આ પ્રયોગશાળાના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ ૧૯૪૭મા વડોદરાના રજવાડાના સમયમાં ડ્ર્ગ્સ લેબોરેટરી, વડોદરા તરીકે આ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
સ્વતંત્રતા બાદ વડોદરાની આસપાસના જીલ્લામાં દવા ઉદ્યોગોને વિકાસ થતા વડોદરામાં જ નવી અધ્યતન પ્રયોગશાળા બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. તા:૨૨મી ફેબ્રુઆરી ૧૯૫૯ના રોજ જુના બિલ્ડીંગનો પાયો નંખાયો . ત્યારબાદ ૧, નવેમ્બર ૧૯૬૧ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહીં આવેલ જૂની બિલ્ડીંગ જે ૧૯૬૧માં નિર્માણ થયેલ ત્યારે Western India ની જે તે સમય ની મોટામાં મોટી લેબ હતી . જેનો ભવ્ય ભૂતકાળ જોતા ભારત સરકારને વિવિધ ટેકનિકલ બાબતોમાં અને ચકાસણીની નવીન પદ્ધતિ વિકસિત કરવા માટે અમુલ્ય યોગદાન આપેલ હતું. વધુમાં તે સમયે બીજા અન્ય રાજ્યોના દવાના નમુનાનું ટેસ્ટીંગ પણ આ લેબ માં કરવામાં આવતું હતું.
પ્રવર્તમાન સમયમાં પણ આ પ્રયોગશાળામાં ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ ના નમુના ઉપરાંત, ઝારખંડ રાજ્ય, કેંદ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, વેસ્ટર્ન રેલ્વે તરફથી આવતાં ખાદ્ય પદાર્થના નમુના, Prohibition અને Excise ડીપાર્ટમેન્ટના નમૂનાઓ, રાજ્યની હોસ્પિટલ સપ્લાયના ઔષધના નમુના, ICDS યોજના અંતર્ગત ખોરાકના નમુનાઓ પણ ચકાસવામાં આવે છે.
આ પ્રયોગશાળાનો હાલનો કાર્યભાર વધતા આગામી ૫૦ વર્ષોની જરૂરીયાતો, આધુનિક ઉપકરણો માટેની વિશાળ જગ્યા તથા NABL (National … Gujarati) ના ધારાધોરણો તેમજ સરકારના પ્રવર્તમાન ગ્રીન બિલ્ડીંગ હેતુ સાકાર થઇ શકે તે રીતે આ નવીન કેમ્પસનું માસ્ટર પ્લાનીંગ કરવાની વિચારણાને સરકાર દ્વારા અમલમાં મૂકીને આ નવીન લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેના ફાર્મા ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે . Food Processing દ્વારા ગુણવત્તાયુક્ત ખોરાકના ઉત્પાદન અને તેના નિકાસ માં પણ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જેના પરિણામે ઉત્પાદન ક્ષમતા અને તેના ટેસ્ટીંગમાં પણ સમગ્ર દેશમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરેલ છે.
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચમાં બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની મંજૂરી આપી છે. જેના નિર્માણ થતા રાજ્યમાં ફાર્મા ક્ષેત્રને વેગ મળશે.