અંકલેશ્વરના બોરભાઠા ગામમાં મામા સાથે રહેતો પાંચ વર્ષીય માસૂમ બાળક ગુમ થઈ ગયો હતો. આ અંગેની માહિતી એક જાગૃત નાગરિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આપી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી બાળકનો કબ્જો મેળવી બાળકને પોલીસ મથકે લાવી પ્રેમથી પૂછતાછ કરી તેના માતા પિતા અને મામાનું સરનામું પૂછી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાલારામ એપાર્ટમેન્ટ સુરવાડી ગામ અંકલેશ્વર વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. કે, એક આશરે પાંચ વર્ષનું બાળક તેના માંતા પિતાથી વિખૂટું પડી ગયું હોવાની માહિતી મળી હતી.
જેથી સ્ટાફના માણસોએ તાત્કાલિક જગ્યા પર પહોંચી બાળકને પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ચા-નાસ્તો કરાવી અને શાંતિથી પુછપરછ કરતા તેણે માતા-પિતાનું નામ જણાવ્યું હતું.
તે અવિધા ગામના રહેવાસી છે અને વધુ તપાસ કરતાં આ બાળક તેના મામા વસાવા સાહેલ અર્જુનભાઈ સાથે નવા બોરભાઠા અંકલેશ્વરમાં રહેવા આવ્યો છે. જેથી પોલીસે તેઓનો તાત્કાલિક સંપર્ક કરીને પોલીસ સ્ટેશન બોલાવી બાળકનો કબ્જો સોંપી પરિવાર સાથે સુખઃદ મિલન કરાવ્યું હતું.