માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી.
થોડા દિવસ પહેલાં ૦૫ મી જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરી લાખોની સંખ્યામાં રોપાઓ રોપવામાં આવ્યા એ સરાહનીય કામગીરી છે. પરંતુ આ રોપા ઉછેર અંગેની ચિંતા દરેક પ્રકૃતિ પ્રેમી મિત્રોએ કરવી જોઈએ. આ રોપાઓ પૈકી મહત્તમ વૃક્ષોમાં પરિણમે ના ત્યાં સુધી તેનાં ખાતર, પાણીની સાથે સારસંભાળ અને કાળજીની જવાબદારી દરેક વ્યક્તિએ પોતાની વ્યક્તિગત ફરજ સમજીને નિભાવવી જોઈએ.
પર્યાવરણ નો બચાવ એટલે આપણી વ્યાખ્યા મુજબ વધુ વૃક્ષોનું વાવેતર એ જ છે. પરંતુ પર્યાવરણ એટલે વૃક્ષો, હવા, પાણી, જમીન, જીવસૃષ્ટિ અને જંગલોનો પણ સમાવેશ થાય છે. પર્યાવરણની ચિંતા કરતા પર્યાવરણ પ્રેમીઓએ માત્ર એક દિવસ પુરતાં વૃક્ષો વાવીને અટકી જવાને બદલે આગળ વધીને જમીન બચાવો, પાણી બચાવો, હવા નાં પ્રદુષણ પર રોકથામ માટે, ઈંધણ બચાવો, વિજળી બચાવો, જંગલ બચાવો, જીવ હત્યા ના રોકથામ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેને રોજીંદા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ.
માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. હવે સમય પાકી ગયો છે. આપણે પર્યાવરણનું મહત્વ જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું અશક્ય છે. આવો આપણે સાથે મળીને આ અંગેની જાગૃતતા કેળવીએ પર્યાવરણના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસના હેતુ માટે થતાં તમામ પ્રયાસો કરીએ અને પૃથ્વીને બચાવવામાં સહયોગી બનીએ.
ભાવેશ મુલાણી,ભરૂચ.