સુરત શહેરનાં કતારગામ વિસ્તાર સ્થિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી કનૈયાલાલ પટેલે NEET ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરી 720 માંથી 661 ગુણ મેળવી સમગ્ર કતારગામ વિસ્તાર સહિત પોતાનાં કાંઠા વિસ્તારનાં માદરે વતન ભાંડુત ગામનું નામ રોશન કરેલ છે.
શહેરનાં જહાંગીરપુરા વિસ્તારની વૃંદાવન સોસાયટીનાં નિવાસી સારસ્વત દંપતી કનૈયા પટેલ અને સંગીતા પટેલની આ પ્રતિભાવંત દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 93.57 % (99.99 PR) મેળવી અપેક્ષિત પરિણામ હાંસલ કર્યું હતું. તદઉપરાંત ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 117.5 ગુણ મેળવી નોંધપાત્ર સિધ્ધિ મેળવી હતી.
‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી આ દીકરીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. બચપણથી જ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો દ્ઢ સંકલ્પ ધરાવતી દેવાંશી પટેલની ઝળહળતી સફળતા બદલ ભાંડુત ગામનાં સરપંચ હેમંત પટેલ તથા ગ્રામજનો ઉપરાંત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત તાલુકાનાં સારસ્વત મિત્રોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.