ગાંધીનગર: રાજ્યમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ગાંધીનગર ખાતે સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જયંતિભાઈ પટેલે(મુળ વતની બાયડ. જી. અરવલ્લી.) ગઇકાલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. PI પ્રિતેશ પટેલે ચિવાલયના આવેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીમાં તે પોતાની જાતને ગોળી મારી મોતને વ્હાલું કર્યું હતું.
મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તેમની આત્મહત્યાથી પોલીસ બેડામા ચર્ચા શરૂ થઈ છે.
મળતી વિગત મુજબ, સચિવાલય સંકુલના પીઆઈ પી.જે પટેલે ગત મોડી રાત્રે સચિવાલય સંકુલના પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ પિસ્ટલથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ગાંધીનગર પોલીસ અધિકારીઓ મોડી સાંજથી તેમની શોધખોળ કરતા હતા. પરંતુ રાત્રે તેમની લાશ કારમાંથી મળી આવી હતી. આ બનાવ અંગે સેક્ટર 7 પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
PIએ આત્મહત્યા કરી હોવાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જાણાવ્યાનુસાર મૃત PIના પરિવારમાં પત્નિ અને બે બાળકો છે. તેમના પત્નિ શિક્ષિકા છે અને દિકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને દિકરો સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. પીઆઈ તેમના પરિવાર સાથે સરગાસણમાં રહેતા હતા.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પી.આઈ. પટેલ ઘરેથી નીકળ્યા ત્યારે પરિવારમાં ઝઘડો થયો હોવાના અહેવાલ છે, પરંતુ આ મામલે પોલીસે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ ગુમ રહેતા પરિવારે પોલીસમાં જાણ કરતા ડીએસપી મયૂર ચાવડા સહિતના અધિકારીઓ તેમની શોધખોળ કરતા હતા. પરંતુ રાત સુધી તેમનો ક્યાંય પત્તો લાગતો નહતો. તેમના મોબાઇલ ફોનની રિંગ સતત વાગતી હતી પરંતુ કોઇ જવાબ ન મળવાના કારણે કોઇ અજુગતું થયું હોવાનો અંદેશો પોલીસને આવી ગયો હતો. લાંબી શોધખોળ બાદ સચિવાલય સંકુલના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. જોકે, તેમણે ક્યા કારણોસર આ પગલું ભર્યુ તેનું રહસ્ય ઘેરાયું છે.