ઉત્તરપ્રદેશના ૩૨ વર્ષના અતિઉલ્લાને મણકાના ભાગમાં ગંભીર તકલીફ હતી ૧૩ વર્ષથી કાઇફોસીસ નામની ગંભીર બીમારીથી પીડાતા દર્દીને અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ પીડામુક્ત કર્યો સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા છેલ્લા ૨ મહિનામાં સ્પાઇન ડિફોર્મીટીની ૧૦ સર્જરી કરવામાં આવી જેમાંથી ૫૦% દર્દી અન્ય રાજ્યના – ડાયરેક્ટર ડૉ.પિયુષ મિત્તલ
ઉત્તરપ્રદેશના બારાબાંકી વિસ્તારના ૩૨ વર્ષીય અતિઉલ્લા ને છેલ્લા ૧૩ વર્ષથી મણકામાં ગંભીર પ્રકારની તકલીફ હતી. જેના કારણે પીઠમાં અને ગરદનમાં અસહ્ય દુ:ખાવો રહેતો હતો.
વધુમાં અતિઉલ્લાને ૧૩ વર્ષથી સીધા સુવામાં પણ તકલીફ પડી રહી હતી. રોજીંદી ક્રિયાઓ કરવામાં પણ તેઓ તકલીફ અનુભવી રહ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં આ બીમારીના નિદાન અર્થે વિવિધ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે એનકોલીસીસ નામની બીમારી છે. જેના કારણે તેઓને પીઠમાં કાઈફોસિસ થયો હોવાનું બહાર આવ્યું આ કારણોસર તેઓ લાંબા સમયથી સીધા સૂઈ શકતા ન હતા.
પરિવારજનોમાં પણ એવી ગેરમાન્યતા પ્રસરી ગઈ હતી કે આ એક અસાધ્ય રોગ છે જે હવે ક્યારેય મટી શકશે નહીં. આ બીમારીથી તેઓ ખૂબ જ હતાશ હતા.એવામાં એક મિત્ર થકી તેઓને અમદાવાદની સિવિલ મેડીસીટી કેમ્પસમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને તેના પેરા પ્લાઝિયા વિભાગની ખબર પડી.
આ હોસ્પિટલમાં કાઇફોસિસ બીમારીની સફળ સર્જરી વિનામૂલ્યે સરકારી સહાય હેઠળ અથવા ખૂબ જ નજીવા દરે કરી આપવામાં આવે છે તેવું માલુમ પડ્યું. આ ગરીબ દર્દી માટે હવે અમદાવાદની આ પેરા પ્લાઝિયા ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટ જ એકમાત્ર આશાનું કિરણ હતું
જેથી પોતાની અસાધ્ય બીમારીના નિદાન અને તેના સારવાર અર્થે તેઓ અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટ હમાં આવી પહોંચ્યા.
અહીં સ્પાઇન ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલની ટીમ દ્વારા તેમના વિવિધ રીપોર્ટ કરાવવામાં આવ્યા અને આ રીપોર્ટસના આધારે કાઈફોસીસની ગંભીરતા જાણીને તેની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું.
ડૉ. મિત્તલની ટીમે અંદાજિત બે થી અઢી કલાકની ભારે જહેમતના અંતે આ દર્દીને અત્યંત જટિલ પ્રકારની સર્જરી દ્વારા પીડા મુક્ત કરીને ખરા અર્થમાં નવજીવન બક્ષ્યું છે હાલ આ દર્દીની સ્થિતિ મહદંશે પૂર્વવત થઈ છે.હોય હવે તે સામાન્ય વ્યક્તિની જેમ જ હલનચલન કરી શકવા સક્ષમ બન્યો છે.
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટ ના ડાયરેક્ટર ડૉ.પિયુષ મિત્તલ જણાવે છે કે, મણકામાં ડિફોર્મીટી હોય ત્યારે આ સર્જરી અત્યંત જટિલ બની રહે છે. છેલ્લા ૨ મહિનામાં અમારી હોસ્પિટલમાં ૧૦ સફળ સર્જરી કરવામાં આવી છે.જેમાથી ૫૦% દર્દીઓ અન્ય રાજ્યોના હતા.