મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં રૂ.૩૩૮ કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા
આઝાદીના અમૃતકાળમાં આપણે તમામ ક્ષેત્રમાં વિકાસ કરીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાનું કોઈ તળાવ પાણી ભરાયાં વિના ન રહી જાય તેવી વ્યવસ્થા કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. મુખ્યમંત્રી ના હસ્તે જળ સંપત્તિ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના રૂપિયા ૩૩૮.૬૬ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહકર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. વિકાસના આ કામો અરવલ્લી જિલ્લાના લોકોની સુવિધાઓમાં વધારો કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા. આ સાથે જ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું કે કોઈ એક તાલુકામાં આટલા વિકાસલક્ષી કામ ફાળવાયા હોય તેવો આ કદાચ પહેલો પ્રસંગ છે. આજે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ. દરેક સમાજ શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આયુષ્માન કાર્ડ યોજનાથી આજે ગરીબ વર્ગ પણ યોગ્ય સારવાર મેળવી શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આઝાદીના અમૃતકાળમાં આપણે તમામ ક્ષેત્રમાં વિકાસ કરીશું, એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
અરવલ્લી જિલ્લાનું કોઈ તળાવ પાણી ભરાયાં વિના ન રહી જાય તેવી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવશે, એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વર્ષોથી જેની માંગણી હતી તેવો નરોડા – દહેગામ – ધનસુરા રોડ ફોર લેન બનવાથી શામળાજી જતા શ્રદ્ધાળુઓ, કવોરી ઉદ્યોગને મોટો લાભ થશે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આજે આ કાર્યક્રમમાં ખેડૂતોની આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ તેમની વર્ષોની સિંચાઈના પાણી માટેની ઝંખના બતાવે છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતને સુજલામ સુફલામ્ યોજના હેઠળ સિંચાઈ અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતની સૂકી જમીનને લીલીછમ બનાવવામાં આવી છે. મંત્રી એ ખેડૂતોને ઓછા પાણી સાથે ખેતી થઈ શકે એવી પદ્ધતિઓ, ટપક સિંચાઇ પદ્ધતિ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં જળ સંપતિ વિભાગના માલપુર ગામના પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠાથી પાણી ઉદ્ વહન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઈની સુવિધા પૂરી પાડવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત ૧૭૮.૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી જિલ્લાના ત્રણ તાલુકાના ૫૧ ગામોના ૭૩ તળાવો ભરી સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેશ્વો જળાશય આધારિત લિફ્ટ ઇરીગેશન યોજના થકી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરી સિંચાઈના પાણીની સુવિધા પૂરી પાડવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ.૭૭.૭૨ કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનાથી ૨૬ ગામના ૩૧ તળાવો ભરી જિલ્લાના મોટી સંખ્યામાં આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકામાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. બંને સિંચાઈના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આજે માર્ગ અને મકાન વિભાગના રૂ. ૭૭.૫૫ કરોડના ખર્ચે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર,અમદાવાદમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ નંબર ૬૮ ( નરોડા – દહેગામ – ધનસુરા હાઇવે) ના અરવલ્લી જિલ્લાના ૧૨.૨૦૦ કિલોમીટરની લંબાઈના માર્ગનો ફોરલેન કરવામાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત માલપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ અને બાયડ તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આજના કાર્યક્રમમાં જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજય મંત્રી મુકેશભાઈ પટેલ , રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા કલેકટરપ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા , જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ સમારોહ માં મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ને મુખ્યમંત્રી ના રાહતફંડ માં એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ દ્વારા મહેશભાઈ ડી પટેલ અને નીરવભાઈ પટેલ તથા રાધે પટેલ દ્વારા એકાવન હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો હતો