કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું સંયુક્ત આયોજન
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટી મીડિયા પ્રદર્શન
વિશ્વભરમાં હવે ભારતની એક આગવી ઓળખ ઊભી થઈ છે: સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળ
ભાવનગરના આંગણે પ્રથમવાર માહિતીપ્રદ,આકર્ષક અને રસપ્રદ પ્રદર્શન મલ્ટીમીડિયા પ્રદર્શન
ભાવનગરનાં અટલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન ભાવનગરના સાંસદ શ્રી ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું.
ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ,યુનિવર્સિટીના કુલપતિ શ્રી એમ એમ ત્રિવેદી તેમજ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવશ્રી અને અન્ય હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિ તેમજ ભાવનગર જિલ્લા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય વિશેષ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે માત્ર 9 વર્ષના ગાળામાં વિશ્વભરમાં ભારતની એક આગવી ઓળખ ઊભી થાય તેવા ભારત સરકારના સીમાચિન્હ કાર્યો અને રાષ્ટ્રના વિકાસની વાત કરી હતી.
ભારતીય યુવા શક્તિ તરફ વિશ્વ આખાની નજર મંડાયેલી છે ત્યારે રાષ્ટ્રના યુવા વર્ગને નવા ભારતના નિર્માણમાં તેમનું યોગદાન આપવાની અપીલ કરતાં સાંસદશ્રી એ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ થકી બદલાઈ રહેલા દેશનું ચિત્ર તેમના સંબોધનમાં યુવા વર્ગ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં દેશમાં ચાલી રહેલ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો અંગે જાણકારી આપતા ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરીયાએ રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાના પ્રયાસના ભાગરૂપે આયોજિત થયેલ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
સાથે જ અભિયાનની સફળતા માટે જનભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવતા દેશમાં ચાલી રહેલ પ્રત્યેક અભિયાનમાં જોડાવા અને તેને સફળ બનાવવા યુવાવર્ગને આગળ આવવા અપીલ કરી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડૉ. ગીરીશભાઈ પટેલે મહેમાનોના સ્વાગત પરિચય સાથે આ કાર્યક્રમના માધ્યમથી આજનો યુવા વર્ગ સરકારની વિભિન્ન યોજનાઓ તેમજ મહત્વના કાર્યો અંગે જાણકાર થશે અને આ જાણકારી તેમના કારકિર્દી ઘડતરમાં પણ ઘણી મહત્વની સાબિત થશે તેવું જણાવ્યું હતું.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 22 થી 26 ઓગસ્ટ એમ પાંચ દિવસ સુધી ભાવનગરના અટલ ઓડિટોરિયમ ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિત વિશેષ કાર્યક્રમ જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે.
સરકારની 9 વર્ષની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે નવી આધુનિક તેમજ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સરળતાથી સમજી શકાય તેવા માધ્યમો થકી જાણકરી મળી રહે તે રીતે સમગ્ર પ્રદર્શનને તૈયાર કરવામાં આવ્યું છે. આવનાર પાંચ દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેનાર આ પ્રદર્શનનો ભાવનગરના નગરજનો મોટી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો.