નૈસર્ગિક, મનોહર અને નયનરમ્ય ડુંગરોની વચ્ચે આવેલું માળનાથનું મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
મંદિરની સન્મુખ ભાગ્યે જ જોવા મળતું બિલ્વ વૃક્ષ
ભાવનગર શહેરથી ૨૬ કિમી દુર આવેલ ભંડારીયાની ગિરિકંદરાઓમાં નૈસર્ગિક, મનોહર અને નયનરમ્ય ડુંગરોની વચ્ચે માળનાથ મહાદેવનૂં મંદિર આવેલું છે. અસંખ્ય શ્રદ્ધાળુઓની આસ્થાના સ્થાનક સમા માળનાથ મંદિરની સ્થાપના આશરે ૬૫૦ વર્ષ પૂર્વ (ઈ.સ. ૧૩૫૪) સ્થાપના સદગૃહસ્થ વણિક શેઠ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.
માળનાથ મંદિર પશ્ચિમાભિમુખ (આથમણી) દિશામાં આવેલું તેમજ તેના દ્વારની સામે બિલીનું વૃક્ષ આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોઈ છે.
આ પુરાતન “માળનાથ મહાદેવ”ની જગ્યાનો ઇતિહાસ જાણીએ તો પ્રાચીન સમયમાં મહાદેવ ભોળાનાથના અનન્ય વણિક નગરશેઠ પીરમબેટમાં રહેતા હતા. ગૌપાલક શેઠ ગૌમાતા પ્રતિ પ્રેમવશ થઈ ઊંચી પ્રકારની ગાયો રાખતા અને ગૌમાતાની સેવા કરતાં હતા.
આ ગાયોમાંથી ‘સુરભી’ નામની ગાય દોવાય જતી હોવાની ફરિયાદ ગાયના માલિકે કરતાં શ્રમિક ગોવાળને કરી જેથી ગોવાળે ‘સુરભી’ નામની ગાય પર વિશેષ ધ્યાન રાખતા આ ગાય સમુદ્રમાં તરીને સામે કાંઠે આવેલા ભંડારિયાના ડુંગરોમાં ચરવા જતી હતી.
એક દિવસ આ સુરભી નામની ગાયની પૂંછ પકડીને શ્રમિક ગોવાળ ગાયની સાથે સમુદ્રકાંઠે પહોંચ્યો, ત્યાં આવી ડુંગરોમાં જઈને જુએ છે તો સુરભી ગાય રાફડા ઉપર દૂધ વરસાવતી હતી. આ વાતની જાણ વણિક નગરશેઠને થતાં તેઓએ સાથે આવીને નિહાળતા સુરભી ગાય રાફડા ઉપર દૂધનો અભિષેક કરતી જોવા મળી હતી.
શેઠે ડાંગથી રાફડો ખોદવા ગોવાળને કહ્યું, ત્યાં ખોદતાં તેમાંથી નાગદાદા નીકળ્યા, વધારે ઊંડું ખોડવાથી તેમાંથી ‘ત્રણ શિવબાણ’ મળ્યા. ત્યાં જ ભંડારિયાના ડુંગરોમાં “માળનાથ મહાદેવ” ની સ્થાપના કરવામાં આવી. આ “માળનાથ મહાદેવ” ની જગ્યા ૧૩૫૪ વર્ષ જુની પુરાતન જગ્યા છે, ભાગ્યે જ જોવા મળતા મંદિરની સન્મુખ ‘બિલ્વ વૃક્ષ’નું ઝાડ આવેલું છે.
મંદિરની સ્થાપના બાદ સંવત ૧૯૪૩ ના આસો સુદ દસમ (વિજયા દસમી) ને સોમવાર તા. ૧૬ સપ્ટેમ્બર-૧૮૮૭ ના રોજ નેક નામદાર મહારાજા ભાવનગર નરેશ તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
આ મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે જે જૂજ શિવાલયોમાં જ જોવા મળે છે અહી ગૌમાતાની સમાધિ પણ બનાવાઇ છે જે મંદિરના પાછળના ભાગમાં આવેલી છે.
“માળનાથ મહાદેવ” મંદિર ખાતે વર્ષ દરમ્યાન મહાશિવરાત્રી, શ્રાવણ માસ, જન્માષ્ટમી, દિપાવલી, મકરસંક્રાંતિ સહિતના પર્વો ઉજવાય છે. મંદિર પરિસરમાં સુંદર મજાનાં પક્ષીઘરો, ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરરોજ પક્ષીઓને ૧૦૦ કિલોથી વધુ જાર, દાળિયા, શીંગ, ગાંઠિયાનું ચણ નાખવામાં આવે છે.