શિક્ષકદિન વિશેષ
બાળકોને વિવિધ વિષયો સરળતા- સહજતાથી સમજાવવા દિવાલો પર ચિત્રો દોરાયા અને મોરબીથી એજયુકેશનલ પ્રિન્ટેડ ટાઈલ્સ મંગાવી તેને શાળાની દિવાલો પર લગાવાઇ
શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ધોરણ ૧-૨ના પ્રજ્ઞા વર્ગખંડો માટે નવતર પ્રયોગ
ભાવનગર તાલુકાનાં દરિયાકાંઠે આવેલા હાથબ ગામની સરકારી પ્રાથમિક શાળા હંમેશા શિક્ષણ ક્ષેત્રે કંઇક નક્કર કામ કરવા પ્રયત્નો કરતી રહે છે. આ સરકારી શાળાએ શાળાની દિવાલોને બોલતી કરી છે. દાતાઓનાં સહકારથી શરૂ થયેલ આ કાર્ય આજે શાળાની વિશિષ્ટ ઓળખ બની છે.
અહીં શાળાનાં દરેક વર્ગખંડોને એક વિષય આધારિત વર્ગખંડ બનાવવામાં આવ્યો છે. ધોરણ ૬ થી ૮નાં અંગ્રેજી વિષયના વર્ગમાં અંગ્રેજીને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે તો વળી વિજ્ઞાન લેબમાં સ્લેબથી લઈ વર્ગખંડની તમામ દિવાલને બોલતી કરવામાં આવી છે. આ શાળામાં હાલ હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, બાલવાટીકા અને ધોરણ ૧ થી પ નાં વિદ્યાર્થીઓ માટે વિષયવાર વર્ગખંડ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહયું છે.
આ ઉપરાંત શાળા દ્વારા મોરબીથી ધોરણ ૧ અને ૨ ના પ્રજ્ઞા વર્ગખંડો માટે સ્પેશયલ એજયુકેશનલ પ્રિન્ટેડ ટાઈલ્સ મંગાવી તેને પણ શાળાની દિવાલોમાં લગાવવામાં આવી છે. આ એજયુકેશનલ ટાઈલ્સમાં બાળકોનું મૌખિક અને લેખિત મૂલ્યાંકન થઈ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ અંગે માહિતી આપતાં શાળાનાં શિક્ષક અને જાણીતાં ઉદ્ઘોષકશ્રી મિતુલ રાવલ જણાવે છે કે ચેરીટી બિગીન્સ એટ હોમ એ વાતે સાર્થક કરતાં કુલ પાંચ હજાર સ્કવેર ફૂટમાં શાળા પરિસરને એજયુકેશલ પેઈન્ટીંગથી સજજ કરવા માટે શાળાના શિક્ષકોએ પણ પોતાનું વ્યકિતગત દાન આપી આ કામ શરૂ કરાવેલ છે. જેમાં ભાવનગરનાં વિવિધ ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓનાં સહકારથી આ કાર્ય આગળ વધી રહયું છે.
આ અંગે શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ દોશી જણાવે છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નિતીમાં પણ દરેક બાળકને સાંભળેલા શિક્ષણ કરતા જોયેલું શિક્ષણ વધુ યાદ રહે છે તે વાતની પુષ્ટિ આપવામાં આવી છે. અમારી શાળાનાં શિક્ષકો અને એસ.એમ.સી.ની સમગ્ર ટીમ શાળાનાં વર્ગખંડો અને સમગ્ર કેમ્પસને વધુ જીવંત અને ચિત્રોથી સભર બનાવવા દિન રાત સતત મહેનત કરી રહી છે. હાથબ
ગામના એસ.એમ.સી.અધ્યક્ષશ્રી અશોકભાઈ ગોહિલનાં જણાવ્યા અનુસાર શાળા દ્વારા શાળાની આરતી અને હાથબ ગામનું ગીત પણ બનાવવામાં આવ્યું છે. હાથબ પ્રાથમિક શાળા એ શાળા અને ગામનાં સરસ જોડાણને કારણે અનેક સુવિધાથી સજજ બની છે. આ શાળાની પ્રાર્થના સભામાં દર અઠવાડિયે બે હિન્દી, બે ગુજરાતી અને બે અંગ્રેજી પ્રાર્થનાઓનું વૈવિધ્ય પણ જોવા મળે છે.
શાળાની બાલ સંસદ દ્વારા શાળાનું સમગ્ર સંચાલન કરવામાં આવે છે. જ્યારે હાથબ ગામનાં સરપંચશ્રી દિનાબેન મનસુખભાઈ સુમરાએ તેમનાં ગામની શાળાએ સાચા અર્થમાં ગામનાં વિકાસનું કેન્દ્ર બની છે તેમ જણાવી શાળા પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો.