અંબાજી, રાકેશ શર્મા: બનાસકાંઠા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. જે. પી. મજીઠીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે અંબાજી મુકામે આગામી તા.23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ મહામેળો-2023 યોજાનાર છે.
આ મેળામાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે રખડતા ઢોર નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવેલી છે.
કલેકટરશ્રીના આદેશ મુજબ તા.15 સપ્ટેમ્બર-2023 થી અંબાજી તથા આજુબાજુ વિસ્તારના રખડતા પશુઓને પકડીને વાડામાં પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અન્વયે અત્યાર સુધીમાં કુલ- 103 રખડતા પશુઓને પકડી ઢોરવાડામાં પુરવામાં આવ્યા છે. આગામી બે થી ત્રણ દિવસમાં અંબાજી વિસ્તારમાં રખડતાં તમામ પશુઓને પકડીને ઢોરવાડામાં પુરવામાં આવશે.
તેમજ માનવ સલામતીને ધ્યાને લઈ અંબાજી વિસ્તારના રખડતા પશુઓના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવવાનું અભિયાન પશુપાલન ખાતા બનાસકાંઠા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત અંબાજી દ્વારા થયેલ ઠરાવ અનુસાર પકડાયેલ પશુદીઠ રૂપિયા 200 પ્રતિદિન દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો અંબાજી આજુબાજુ વિસ્તારના પશુ માલિકોને જણાવવાનું કે તેમની માલિકીના પશુઓને રખડતા ના છોડવા અનુરોધ કરવામાં આવે છે.