કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજન
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટી મીડિયા પ્રદર્શન
2047ના સમૃદ્ધ, સશક્ત અને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો સમય એટલે અમૃતકાળ: સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળ
બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન બોટાદ અને ભાવનગરના સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુબેન બારૈયા, બોટાદના રેસીડેન્ટ કલેકટરશ્રી મુકેશભાઈ પરમાર,ડેપ્યુટી ડીડીઓ શ્રી એ એમ મકવાણા, મામલતદાર શ્રી એન આઇ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ સીડીપીઓ દક્ષાબેન વ્યાસ તેમજ બોટાદ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ- સભ્યશ્રીઓ અને સરકારનાં વિભિન્ન વિભાગનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા બોટાદ અને ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે 9 વર્ષના ગાળામાં દેશના પ્રત્યેક વર્ગ અને પ્રત્યેક વ્યક્તિઓને સ્પર્શતી, તેની મુશ્કેલીઓને દૂર કરતી અને સુવિધાઓમાં વધારો કરતી વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી હોવાનું જણાવતા આ યોજનાઓ થકી આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
વિશ્વભરમાં આપણા દેશની વધી રહેલી નામના અને 2047ના સમૃદ્ધ,સશક્ત અને વિકસિત ભારતની પરિકલ્પનાને આ યોજનાઓ થકી સરકાર સાકાર કરવાનું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રના યુવા વર્ગને નવા ભારતના નિર્માણમાં તેમનું યોગદાન આપવાની અપીલ કરતાં સાંસદશ્રી એ આ અમૃતકાળ દરમિયાન સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ થકી બદલાઈ રહેલા દેશનું ચિત્ર તેમના સંબોધનમાં યુવા વર્ગ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિત વિશેષ કાર્યક્રમ જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. સરકારની 9 વર્ષની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે નવી આધુનિક તેમજ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સરળતાથી સમજી શકાય તેવા માધ્યમો થકી જાણકરી મળી રહે તે રીતે સમગ્ર પ્રદર્શનને તૈયાર કરવામાં આવ્યું છે. આવનાર ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેનાર આ પ્રદર્શનનો બોટાદના નગરજનો મોટી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો.
કાર્યક્રમના ભાગરૂપે પોષણ માહ ઉજવણી સંદર્ભે બોટાદના આઇસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શનનું તેમજ પૌષ્ટિક આહાર અંગેની જનજાગૃતિ માટેના સ્ટોલનું પણ આયોજન કર્યું હતું. સાથે જ બોટાદના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા અને તાલુકા પ્રશાસનના વિભિન્ન વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળ પર સ્ટોલ્સ ઉભા કરી સરકારની યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.