ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, જી.એમ.ઇ.આર.એસ. ના સુપ્રીટેન્ડન્ટ, ૩૩ જિલ્લાના CDHO,CDMO અને ૬ ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક મહત્વના ૨૧ મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.
રાજ્યની કુલ ૨૩૦૦ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી તેમજ દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા મંત્રીએ તાકીદ કરી હતી. આ બેઠકમાં આરોગ્યમંત્રીએ હોસ્પિટલમાં પશુ-પ્રવેશની સમસ્યા સંદર્ભે ઉકેલ આણવા માટે સૂચના આપી હતી.
રાજ્યમાં હાલ ૯૩ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત હોસ્પિટલ્સમાં હેલ્પ ડેસ્ક, જરૂરિ માહીતિના બેનર, જન જાગૃતિની વિગતો દર્શાવતા પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુમાં વધુ હોસ્પિટલમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યની ૧૭૭૬ જેટલી એમ્બ્યુલન્સને GPS સાથે જોડીને ક્રિટીકલ કેરને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવામાં આવશે.
હોસ્પિટલ્સમાં સારવાર અર્થે આવતા દર્દી કે સગાઓને સારવાર સંલગ્ન ઉદભવતી સમસ્યાઓ, હોસ્પિટલ્સમાં માનવબળ સંદર્ભેનો પણ રીવ્યું કરવામાં આવ્યું હતો. આ સમસ્યાના નિરાકરણ માટે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.
હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ દવાઓના જથ્થા અને તેમાં પડતી મુશકેલીઓ, સાધનોની ઉપલબ્ધતા, ઘટ, ઇન્સ્ટોલેશનનું રીવ્યું જેવા મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાયા હતા.
રાજ્યની હોસ્પિટલ્સમાં વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ ભરવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે આગામી ખૂબ જ નજીકના દિવસોમાં રાજ્યની હોસ્પિટલ્સમાં આઉટસોર્સ દ્વારા વર્ગ-3 અને 4 નું સંખ્યાબળ ઉપલબ્ધ બનશે, તેમ મંત્રીએ જણાવ્યું હતુ.
રાજ્યમાં આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો તેમજ જી.પી.એસ.સી. ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા તબીબોની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, જી.એમ.એસ.સી.એલ.ના એમ.ડી. નવનાથજી, આરોગ્ય વિભાગના વિવિધ એડિશનલ ડાયરેક્ટર્સ,ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.