આસ્થાના કેન્દ્ર સમાં ધાર્મિક સ્થળોને પવિત્ર અને સ્વચ્છ રાખવા ભક્તજનોને અનુરોધ કરતા મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
સાતમા નોરતે માતાજીના હોમાત્મક યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ નવરાત્રિ પર્વના સાતમા નોરતે સહપરિવાર માતાજીના દર્શન કરી માં જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમને હોમાત્મક યજ્ઞમાં આહુતિ અપર્ણ કરી તેમજ મંદિર શીખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
વિશ્વના કોઈપણ ખૂણે વસતા લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય છે અને માં ના દર્શન માટે આવતા હોય છે ત્યારે હું પણ નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે માં ના દર્શન કરવા આવ્યો છું એમ જણાવી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ દેશ દુનિયામાં આપણા દેશને ગૌરવ અપાવનાર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી 2024 માં પણ દેશનું સુકાન સંભાળે એવી દેશવાસીઓ વતી માતાજીને પ્રાર્થના કરી હતી.
દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બીડું ઝડપ્યું છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની માં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે
ત્યારે આપણી આસ્થાના કેન્દ્ર એવા યાત્રાધામો અને દેવસ્થાનોને પવિત્ર અને સ્વચ્છ રાખવાના અનુરોધ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સૌ શ્રધ્ધાળુ ભક્તજનોને અપીલ કરી હતી. અંબાજી યાત્રાધામના વિકાસ માટે થઈ રહેલા કામો અંગે મંત્રીશ્રી એ ગૌરવ અનુભવતાં સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી