આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક ધ્યેયનું ભાવનગરથી આહવાન થવાની ઐતિહાસિક ઘટના
આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક પડકારોનો સામનો કરવા ‘વન હેલ્થ’નો દ્રષ્ટિકોણ અપનાવીએ: મંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ આજે વિકાસશીલ દેશોના આરોગ્યમંત્રીશ્રીઓની સમિટને ભાવનગરથી ઓનલાઇન માધ્યમથી સંબોધી હતી. ‘2nd Voice of Global South Summit’ અંતર્ગત આજે વિકાસશીલ દેશોના આરોગ્યમંત્રીશ્રીઓના સંવાદ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઓનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક ધ્યેયનું ભાવનગરથી આહવાન થવાની ઐતિહાસિક ઘટના પહેલીવાર અહીં બની છે.
મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આપણે ‘વન હેલ્થ’નો દ્રષ્ટિકોણ કેળવી સંસ્થાગત પ્રયત્નો કરીએ. ભારતનું ‘નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ’ આ ‘વન હેલ્થ’ના ધ્યેય માટે વિવિધ કામગીરી માટે અગ્રેસર રહી કામગીરી કરી રહ્યું છે.
મંત્રીશ્રીએ વધુ ઉમેરતા કહ્યું હતું કે ભારતનો ‘વન હેલ્થ’ કાર્યક્રમ ઉભરતા ચેપી રોગો પર સતત દેખરેખ રાખે છે અને તેના પર અભ્યાસ-સંશોધન હાથ ધરે છે. આ કાર્યક્રમ વન્યજીવોમાંથી ઉદભવીને માનવીઓમાં ફેલાતા ચેપી રોગો પર સવિશેષ ધ્યાન આપે છે, જેથી આ રોગોને ખૂબ જ શરુઆતના તબક્કામાં ઓળખી તેનું નિવારણ લાવી શકાય.
મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી આ સમિટ સંબોધી હતી, જેમાં વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોટ પંકજ ડાભી ભાવનગર