રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સહિત અધિકારીઓની ઉપસ્થિતિ
વલ્લભીપુર તા.૧૯
વલ્લભીપુરમાં સર્વ જ્ઞાતિના પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કથા વક્તા દિપાલી દીદીએ વલભીપુર ગ્રામજનોને ભાગવત કથામાં રસતરબોળ કર્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત કથા શ્રાવકો રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા.
આ અવસરે કૃષ્ણ જન્મોત્સવમાં વક્તા દિપાલી દીદી પણ વલભીપુરની ધર્મ પરાયણ ભાવિકો સાથે રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા. ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મહંત શંભુપ્રસાદ ટુંડિયા (ધારાસભ્ય વલભીપુર)એ મોક્ષ ધામ સમિતિના આયોજકોને આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી.
ઉપસ્થીત મહેમાનો ગોહિલ પ્રદ્યુમનસિંહ (પ્રમુખ વલભીપુર તાલુકા ભાજપ), ગોહિલ મેહુલસિંહ (તાલુકા પંચાયત પ્રમુખ) તેમજ બ્રહ્મ સમાજના પ્રમુખ, મુસ્લિમ સમાજના યુનુસભાઇ મહેતર અને તમામ દાતાઓ, મહેમાનોને કથા પીઠાધ્યક્ષિકા દિપાલી દીદીએ દ્વારકાધીશનો ખેસ અર્પણ કરાયો હતો. તમામ મહેમાનો, દાતાઓ અને સંતો શ્રીમદ ભાગવતની આરતીમાં સાથે જોડાયા હતા
શ્રીમદ ભાગવત સપ્તાહમાં સર્વ ધર્મ સમરસતાના સુ-દર્શનમ્ મોક્ષ મંદિરના વિકાસ અર્થે વલભીપુર મુસ્લિમ સમાજ દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રજાપતિ સમાજ દ્વારા 1,34,250 નું અનુદાન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેવીપુજક સમાજ દ્વારા પણ 30,250 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ વલભીપુર દ્વારા 1,51,111 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું.
તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર