ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તા:-૨૧-૧૧-૨૦૨૩ ના રોજ વાહન અકસ્માત માં માથાના ભાગે ઈજા પામનાર દર્દી વિણાબેન ચંદ્રકાંતભાઇ ભટ્ટ (ઉ.વ.૭૩) રહે: ભાવનગરનું સારવાર દરમ્યાન અત્રેની સંસ્થા ખાતે ફરજ બજાવતા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તપાસ કર્યા બાદ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ હતા. તેમના નજીકના સગા વહાલાઓ, દર્દીના દિકરા અને દિકરીઓને તેઓના માતુશ્રીનું અંગદાન કરવા માટે સંપૂર્ણ વિગતવાર સમજણ આપી જરૂરી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા લેખિતમાં સંમતિ આપ્યા બાદ, દર્દી વિણાબેન ચંદ્રકાંતભાઇ ભટ્ટના લીવર તથા બન્ને આંખોનું અંગદાન લેવામાં આવેલ હતું.
ત્યારબાદ ગ્રીન કોરિડોરની સુવિધા ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવેલ હતી.જેમના મારફતે તેમને ભાવનગર એરપોર્ટ ખાતેથી ચાર્ટર પ્લેન દ્વારા સુરત લઇ જવામાં આવેલ હતા.અંગદાનના આ ઉમદા નિર્ણયથી વિણાબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટના પરિવારજનોએ માનવતાની મહેંક પ્રસરાવી છે.
અત્રેની સર તખ્તસિંહજી હોસ્પીટલ,ભાવનગર ખાતે આ ૫૨ (બાવન) મું અંગદાન લેવામાં આવેલ છે.સર તખ્તસિંહજી હોસ્પિટલ,ભાવનગર ના તમામ અધિકારીગણ તેમજ કર્મચારીગણ તરફથી વિણાબેન ચંદ્રકાંતભાઇ ભટ્ટ ના તમામ પરિવારજનોનો તથા ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં પુરી પાડવામાં આવેલ સુવિધા ગ્રીન કોરિડોર માટે હ્રદયપુર્વક આભાર માનવામાં આવે છે.સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે,જેથી જરૂરિયાત મંદ વ્યક્તિઓને નવજીવન બક્ષી શકાય તેવી ઉદાત્ત ભાવના કેળવાય, તે માટે જાહેર જનતાને ભાવભરી અપીલ સર તખ્તસિંહજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.