ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે: મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા*
કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ આદ્યશક્તિ મા અંબા અને કામાક્ષી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા
યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં તા. 9 અને 10 ડિસેમ્બર એમ બે દિવસીય અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 27મું મહાઅધિવેશન યોજાયુ હતું. આ અધિવેશમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ આદ્યશક્તિ મા અંબા અને કામાક્ષી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘની કામગીરીને બિરદાવતા કહ્યું કે, રાજ્ય અને દેશમાં ઉદાહરણ આપી શકાય તેવું આ શ્રેષ્ઠ યુનિયન છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર આપણા ભારતનું છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
આજે ભારતનો નાગરિક ગૌરવભેર દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે આ સ્વાભિમાન જગાડવાનું કામ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, આજે દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસયાત્રાની ગંગોત્રીની શરૂઆત ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાથી થઈ છે.
ગામડાંઓમાં 24 કલાક વીજળીના કારણે ગામડાંઓ ભાંગતા અટક્યા છે અને ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે. એગ્રીકલચર વીજળી માટે અલગ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે જેના લીધે ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે ત્યારે વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી વીજળીની બચત કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે ત્યારે આપણા ગામમાં પણ આ યાત્રા આવે ત્યારે તેમાં જોડાઈ અને યાત્રાનું ભવ્ય સ્વાગત કરીએ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઘેર બેઠા લાભ મેળવીએ.
અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું કે, વર્ષ-2005 થી અત્યાર સુધીમાં 292 જેટલા એવોર્ડ આપણી વિજકંપનીઓને મળ્યા છે એ માટે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, પરિવાર મજબૂત નહીં હોય ત્યાં સુધી સમાજ કે દેશ મજબૂત નહીં બની શકે એ વાત ને ધ્યાનમાં રાખી આપણા અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પરિવારને વધુ મજબૂત અને સશક્ત બનાવીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે પણ આ વિકાસયાત્રામાં જોડાઈ દેશની પ્રગતિમાં ભાગીદાર બનીએ.
અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિના સમયે વીજ વિભાગના કર્મચારીઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના જીવના જોખમે કામ કર્યુ છે. ગુજરાતમાં 24 કલાક વીજળી પુરી પાડવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને વીજકર્મીઓએ સાકાર કર્યો છે.
આ બે દિવસીય સંમેલનમાં નવીન ઊર્જાના સંચય અને વિચારોના આદાન પ્રદાન, સંઘના પૂર્વ પ્રમુખોનો ઋણ સ્વીકાર તથા ટેકનિકલ સ્ટાફના ફિલ્ડમાં થતા વીજ અકસ્માત અટકાવવા સંદર્ભે વિચાર- વિમર્શ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ તેમજ અધિકારીઓના વિવિધ પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ આવે અને તેમને મળવાપાત્ર લાભો વિના વિલંબે મળી રહે તે હેતુસર ૩૫૦૦૦ થી વધુ સભ્યઓવાળા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને ૬૦૦૦ થી વધુ સભ્યઓવાળા જીઇબી એન્જિનયર્સ આસોસિએશનની રચના કરવામાં આવી છે.
આ મહાઅધિવેશનમાં ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, નિવૃત્ત સનદી અધિકારીશ્રી એમ.એસ.પટેલ, સિનિયર જનરલ સેક્રેટરીશ્રી બળદેવભાઈ પટેલ, શ્રી ગજેન્દ્રભાઈ ભટ્ટ, જી.ઇ.બી. એન્જિનયર્સ આસોસિએશનના સેક્રેટરી જનરલશ્રી બી.એમ.શાહ, ઉનાવા એપીએમસી ચેરમેનશ્રી જયેશભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચરમેનશ્રી દિનેશભાઈ પટેલ, PGVCL ના એમડીશ્રી મહેશભાઈ દવે, UGVCL ના ચીફ એન્જિનિયર, શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી લાધુભાઈ પારઘી, વિધુત કામદાર સંઘના હોદ્દેદારો, કમિટી મેમ્બર્સ, સભ્યો અને તેમના પરિવારજનો સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં વીજ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી