ગાંધીનગર, સંજીવ રાજપૂત : વાયબ્રન્ટ ગુજરાત એક કાર્યક્રમ કરતા ક્યાંય વધારે ગુજરાતની વિકાસયાત્રાની અનોખી કાર્ય સંસ્કૃતિ બની ગયો છે. ‘ગેટ-વે ટુ ધ ફ્યુચર’ની થીમ ઉપર તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૪મા અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર તજજ્ઞો અને પ્રબુધ્ધોએ ચિંતન કર્યું તથા વર્લ્ડ બિઝનેસ લીડર્સ દ્વારા ગુજરાતમાં એમના ઔદ્યોગિક એકમની શરૂઆત માટેની તત્પરતા દર્શાવી.
આ વખતે ૧૦મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ઉડીને આંખે વળગે એવી ધ્યાનાકર્ષક વાત એ હતી કે, વાયબ્રન્ટમાં યોજાયેલ વિવિધ સેમિનારો અને કંટ્રી-સ્ટેટ સેમિનારોમાં આપવામાં આવેલી કીટમાં ‘‘પ્લાન્ટેબલ’’ રાઈટીંગ પેડ, પેન – પેન્સિલ અને અન્ય સામગ્રી પર્યાવરણીય જળવણી અને સંવર્ધનના કોંસેપ્ટ સાથે આપવામાં આવી હતી.
સમિટના પ્રત્યેક સેમિનારમા આપવામાં આવેલા રાઇટીંગ પેડના ટાઇટલ પેજ અલગ અલગ વનસ્પતિના બીજ (સીડ)ને કાગળના માવા સાથે મિશ્રણ કરીને કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. જેના કારણે જ્યારે રાઈટીંગ પેડ ઉપર લખવાનુ કાર્ય સંપન્ન થઇ જાય એ પછી રાઇટીંગ પેડને કચરા ટોપલીમા નાખવાની જગાએ તેના નાના નાના ટૂકડા કરીને જમીનમાં થોડો ખાડો ખોદીને કે ઘરના કુંડામાં નાખી પાણી છાંટતા તેમાંથી સરસ મઝાના છોડ અને વૃક્ષ વિકાસ પામશે. રાઈટીંગ પેડની જેમ જ તેની સાથે આપવામાં આવેલી પેન અને પેન્સીલમાં પણ વનસ્પતિના બીજ (સીડ)ને મુકવામાં આવ્યા હતા. આ સમિટમાં દેશ – દુનિયામાંથી આવેલા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, તજજ્ઞો, રાજદ્વારીઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ ગુજરાતની પર્યાવરણ જાળવણીની આ પરિભાષાથી અત્યંત પ્રભાવિત થયા હતા.
પર્યાવરણ સંરક્ષણના ચૂસ્ત હિમાયતી ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઔદ્યોગિક વિકાસ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ઇકોનોમી પર હંમેશા ભાર મૂકે છે ત્યારે મહાત્મા મંદિર સંકુલ ખાતે યોજાયેલી આ સમિટના આયોજનના દરેક તબક્કે ‘નો પ્લાસ્ટિક યુઝ’ અને ‘ઈકો ફ્રેન્ડલી’ પોલીસીનો પરિણામલક્ષી અમલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી બતાવ્યો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય રહે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ જયાં યોજાયું છે તે મહાત્મા મંદિરના સમગ્ર સંકુલમાં પીવાના પાણી માટે કાચની બોટલ, ઇકો ફ્રેન્ડલી બેગ, પ્લાન્ટેબલ પેન અને ડાયરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ સમિટના મહેમાનો સહિત સહભાગીઓ માટે રાખેલી કીટની પ્લાન્ટેબલ પેન-પેન્સીલ અને રાઈટીંગ પેડમાં ટામેટા, તુલસી, રાઈ અને ગલગોટા સહિત અલગ-અલગ વનસ્પતિના બીજ રાખવામાં આવ્યા છે. સમગ્રપણે બાયોડિગ્રેબલ મટીરીયલથી બનાવેલ આ પેનના ઉપયોગ બાદ મુખ પૃષ્ઠમાં કાગળના માવા સાથે મિશ્રિત આ બીજ વાવીને છોડ ઉગાડી શકાય છે. કીટમાં આપવામાં આવતા રાઈટીંગ પેડનાં પૂંઠા પણ બીજ ધરાવે છે. રાઈટીંગ પેડ ભરાઈ જાય ત્યારબાદ આ ભાગને ભીની જમીન નીચે દાટી દેવાની હોય છે.
સમયાંતરે પાણી અને સૂર્યપ્રકાશ મળતા તે ઉગી નીકળે છે. સમિટમાં ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઈકોનોમી, ઇલેક્ટ્રીક વ્હિકલ, સસ્ટેનીબિલિટી એન્ડ કાર્બન ન્યુટ્રાલીટી, રીન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર યોજાયેલા વિવિધ સેમિનારોમાં વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મુકતા વિચારો અને ચિંતન રજૂ થયા છે, ત્યારે વાસ્તવિક પુષ્ઠભૂમિ ઉપર આ પ્રકારના ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગથી સમિટના મુલાકાતીઓ અને વિદેશી મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા.