પાલનપુર, સંજીવ રાજપૂત: બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓને પીવા માટે પાણીની પરબનું જીવદયા માટેનું પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાની ૨૩૪૮ શાળાઓમાં ૧૦૦૦૦ થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનો સંચાર થાય, સંસ્કારોનું સિંચન થાય ,જીવદયાની લાગણીમાં વધારો થાય તથા પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવના કેળવાય તે હેતુથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી એમ પટેલ દ્વારા અબોલ પક્ષીઓને પાણી પીવા માટે કુંડા લગાવી તેમાં પાણી નાખી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર ટીમ હંમેશા રચત્નાત્મક કાર્યક્રમો કરતા રહે છે, જેમાં અંબાજી પદયાત્રા, જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, ભવ્ય કલામંચ તેમજ ચબુતરા અભિયાન, ખેત તલાવડી અભિયાન, બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામોમાં વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવું જેવા કાર્યો કરવામાં આવે છે.
આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવે, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક જી. કે. ગઢવી, ભીખુસિંહ પરમાર ,પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ જોશી, મીડિયા કનવીનર અશ્વિનભાઈ દરજી તથા બી.આર.સી કોઓર્ડીનેટર હાજર રહ્યા હતા.