જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા મૂકી ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું
૧૧ હજાર માળા અને ૫ હજારથી વધુ પાણીના કુંડા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાયા
સિહોરના અગિયાળી ગામે અબોલ જીવોની વિનામૂલ્યે સારવાર માટે અદ્યતન જીવદયા હોસ્પિટલ આકાર પામી
ભાવનગર તા. ૮/૬/૨૦૨૪
ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ઉનાળાના આરંભે ૩૭ ડિગ્રી સેન્ટીગ્રેડ થી લઈ ૪૪ ડિગ્રી સુધી તાપમાને જીવ માત્રને ગરમીનો પ્રકોપ બતાવ્યો.
પાકા ઘરમાં રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા એવા માં ખુલ્લામાં વસતા પશુ-પક્ષીઓની સ્થિતિ તો દયનીય બની ગઈ છે.
ત્યારે ભાવનગરના પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમીઓની મદદથી પક્ષીઓ માટે ચણ અને પાણીની ઠેર ઠેર વ્યવસ્થા ઉભી કરી ‘પક્ષી બચાવ અભિયાન’ છેડયું છે.
ભાવનગરના સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતે સવા એકર જમીનમાં આકાર લેતી પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં તમામ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
દરેક અબોલ જીવને તબીબી સારવાર, ઓપરેશન અને જરૂરી દવા બધું જ વિનામૂલ્યે મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને બોટાદ એમ ત્રણ જિલ્લામાં અબોલ જીવ માટે વિનામૂલ્યે અદ્યતન સેવા આપતી સૌથી મોટી આ હોસ્પિટલ છે.
અસહ્ય ગરમી ને ધ્યાને લઇ હોસ્પિટલ કેમ્પસમાં પક્ષીઓ માટે ૨૦૦ માળા લાગાવાયા છે. મોટા પ્રમાણમાં પાણીના કુંડા પણ મુકાયા છે. પક્ષીઓ માટે ચણ નો નિયમિત પ્રબંધ કરાયો છે.
આ ઉનાળામાં પ્રેરણા ફાઉન્ડેશન દ્રારા અત્યાર સુધીમાં પક્ષીઓ માટે ૧૧ હજાર માળા અને ૫ હજાર થી વધુ પાણીના કુંડા વિનામુલ્યે વિતરણ કરાયાં છે.
ગરમીના પ્રકોપની ઋતુમાં ખાસ કરીને અબોલ પક્ષીઓને પાણીના કુંડા મુકી તેઓની માવજત કરવી જોઇએ. તેવા સંદેશ સાથે જીવદયા પ્રેમીઓની મદદથી ‘અબોલ જીવ બચાવો’ અભિયાન ચલાવાયું છે.
બીમાર, ઘાયલ, ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે રેસ્ક્યુ ટીમ અને હેલ્પલાઇન વાન પણ કાર્યરત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ૬૩૫૬૩ ૭૧૦૦૦ છે.
ઉનાળાની ગરમી આ વખતે આરંભથી જ અસહ્ય બની ગઇ છે. સામાન્ય રીતે નાના પક્ષીઓ ચકલી, કબૂતર, પોપટ, તેતર વગેરે વધુ પડતુ ઉષ્ણતામાન સહન કરી શકતા નથી. તેની શરીર રચના એટલી બધી નાજુક અને કોમળ હોય છે કે તે વધુ પડતા તાપમાનના પ્રકોપથી ત્રાસી જાય છે અને કોઈ કિસ્સામાં મોતને પણ ભેટે છે. ઘટતી જતી વનસ્પતિ અને વૃક્ષોના અભાવમાં પક્ષીઓ પૂરતું રક્ષણ મેળવી શકતા નથી. મોટા ભાગની નદી, તળાવ, અને અન્ય જળાશયોમાં પણ પાણી ન હોવાથી મૂંગા પશુ-પક્ષીઓની હાલત દયાજનક બની ગઈ છે.
એટલે આકરા ઉનાળાની ગરમીથી નાનાં પક્ષીઓને બચાવવા માટે ઠેરઠેર પાણીનાં કૂંડા મૂકવાની ઝુંબેશ જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રેરણા ફાઉન્ડેશન ના નેજા હેઠળ હાથ ધરવામાં આવી છે.
રાજય સરકારે પણ એક માર્ગદર્શિકા બહાર પાડી ને અબોલ જીવને ગરમીમાં રાહત મળે તે માટે તમામ સરકારી કચેરી અને જાહેર સ્થળો એ પાણી તથા ચણ, ખોરાકની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. તેમાં દાતાશ્રીઓ અને સામાજિક સંસ્થાઓને જોડવા પણ જણાવ્યું છે. રાજ્ય સરકારની અપીલને જીવદયા પ્રેમીઓના બનેલા પ્રેરણા ફાઉન્ડેશન એ ભાવનગરમાં સારો પ્રતિસાદ આપ્યો છે.
જીવદયા કાર્ય થી ઘરઆંગણાની શોભારૂપ ચકલી, કાબર, પોપટ અને કબૂતર જેવા પક્ષીઓના જીવની રક્ષા થશે. પર્યાવરણના ભાગરૂપે પશુઓ અને પક્ષીઓના જીવનની રક્ષા માટે વિવિધ સંસ્થાઓ, મંડળો, શાળાઓ, મંદિરો અને જીવદયા પ્રેમીઓ આ અભિયાનમાં જોડાય તેવી પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.