દરેક જીવ માં શિવ વસે છે. પ્રત્યેક અબોલ જીવની સેવા કરો : રામભારથી બાપુ
૧૫૦૦ વધારે વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા
ભાવનગર તા.૫-૮-૨૦૨૪
આજે તા. ૫મી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા શ્રી ભિલેશ્વરી આશ્રમ ખાતે અબોલ જીવના કલ્યાણ અર્થે શિવપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
જેમાં ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અને વિશાળ સંખ્યામાં શિવભક્તોની ઉપસ્થિતિમાં મહાદેવપૂજા અને મહાપ્રસાદ યોજાયો હતો.
વરલ આલ્ફા સ્કૂલ, પીપરલા શાળા અને અગિયાળી શાળા ના બાળકોએ શિવધુન કરી હતી, ત્યાર બાદ મહાપ્રસાદ લીધો હતો.
આ તકે ભિલેશ્વરી આશ્રમના મહંતશ્રી રામભારથી બાપુ એ આશિર્વચન આપતા કહ્યું હતું કે જીવ માં શિવ વસે છે. પ્રત્યેક અબોલ જીવની સેવા કરો, જીવદયા એ જ પરમ ધર્મ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાળીમાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ તદ્દન વિનામૂલ્યે તમામ પશુ પક્ષીઓની સારવાર સેવા ઉપચાર દવા કરી રહી છે.
ભિલેશ્વરી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં આજુબાજુ ના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને તમામ લોકોએ જીવદયા સેવા કાર્ય તથા એક એક વૃક્ષ વાવી પર્યાવરણ અને પ્રકૃતિની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.