અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદના બે બે વિસ્તારમાં ફાયરિંગ કરી લૂંટ કરી પલાયન થઈ જતી ટોળકીએ અમદાવાદ શહેર પોલીસની ઊંઘ હરામ કરી હતી તે ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તરપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યા છે.
અમદાવાદના ઠક્કરબાપાનગરબ્રિજ નીચે પાન મસાલાના વેપારીની દુકાનમાં 35000ની અને બીજા જ દિવસે નિકોલમાં જવેલર્સની દુકાનમાંથી પણ રિવોલ્વર બતાવી મારામારી કરી રૂ. 7 લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે અને લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મુદામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કર્યા બાદ બાઈક અને સ્કૂટર પર પલાયન થયા હતા. જેમાં સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી પરથી ઉત્તરપ્રદેશની ગેંગ હોવાને લઇ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બે આરોપીની અમદાવાદમાંથી અને ત્રણ આરોપીની ઉત્તરપ્રદેશમાંથી એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ વિશે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એ બી ચુડાસમા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.