બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ માનીએ કે, અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે. પરંતુ હવે એવું નથી, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રથમવાર અંગદાન થયું છે અને અંગદાનના સેવાકાર્યની બનાસથી પણ શરૂઆત કરાઇ છે.
બનાસકાંઠાના જુના ડીસાના વતની અને નાઇ સમાજના અગ્રણી નિવૃત કર્મચારી દિનેશભાઇ ચમનભાઇ મકવાણાનો અઠવાડિયા પહેલાં બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમને મગજના ભાગે ખુબ જ ગંભીર રીતે ઇજા પહોંચી હતી . જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌ પ્રથમ રીટ્રાયવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર્સ પેનલ દ્વારા તેમને બ્રેઇનડેથ જાહેર કરવામાં આવ્યા હતા.
સ્વ. શ્રી દિનેશભાઇ મકવાણાના પરિવારમાં અંગદાન જાગૃતિના કારણે તેમના શિક્ષક પુત્ર અંકુરભાઇ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. જે સમાજ માટે ખુબ જ પ્રેરણારૂપ બાબત છે. આજે તેમનુ અંગદાન કરતા રાજ્યની State Organ and Tissue Transplant Organisation (SOTTO)ની ટીમ દ્વારા તેમના બે કિડની, લિવર અને બે આંખ એમ કુલ પાંચ અંગો થકી સાચા અર્થમાં પાંચ લોકોને જ નહીં પણ પાંચ પરિવારને નવજીવન આપી અમર બન્યા છે. સમાજ સેવાના આ પૂણ્ય કાર્ય માટે અંગદાતા પરિવારને બનસવાસીઓ બિરદાવી રહ્યાં છે.
આ અંગદાનના કાર્યમાં અંગદાતાના પરિવારનો લાગણીસભર સહયોગ મળતાં સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડૉ. સુનિલ અગ્રવાલ અને તેમની ટીમ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના ડૉ. અર્પિત અગ્રવાલ, ડૉ. મહક ચૌધરી તથા તેમની ટીમની હકારાત્મક મહેનત જોવા મળી હતી.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલિપભાઇ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્ય કરતા કન્વિનર માનાભાઇ પટેલ, પીરાભાઇ ચૌધરી , શ્રી કમલેશભાઇ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી SOTTO અને NOTTO દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રીટ્રાઇવલ (અંગ મેળવવા ) સેન્ટર તરીકે માન્યતા મળતાં પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું.