અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાદી સરિતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ખાદીના વસ્ત્રો તેમજ ખાદી બનાવટની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી અને લોકોને પણ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે પ્રેરણા આપી હતી.
તેમણે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ગાંધીજીના જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો હતો તેમજ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સૂત્રને સમજાવ્યું હતું. મંત્રીએ ખાદી સરિતા કેન્દ્ર ખાતે ચરખો કાંત્યો હતો અને ગાંધી જન્મજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને પણ સ્વખર્ચે ખાદીના વસ્ત્રો અપાવ્યા હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, અમદાવાદ ખાદી સરિતા કેન્દ્રના સંચાલક કમલેશભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ તેમજ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.