દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે, ત્યારે તેઓએ ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં સંલગ્ન વિભાગીય અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી લગત કામગીરીની વિગતવાર માહિતી મોનિટર બાલકૃષ્ણ ગોયલ સમક્ષ રજૂ કરી હતી, જે આધારે તેઓશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હી અંગેનો પ્રાથમિક પરિચય આપીને વન નેશન વન રેશન કાર્ડ અમલીકરણ, જાહેર વિતરણ વ્યવસ્થા, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી અને મહિલા અને બાળ વિભાગ અંતર્ગતની યોજનાઓ અને તેના અમલીકરણ, સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાયદાઓના અમલીકરણની કામગીરી, પોલીસ તરફથી પોકસો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગતના કેસોની માહિતી, આરોગ્ય તંત્રની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તેઓશ્રીએ દિવ્યાંગોને સાધન સહાય ઉપરાંત સ્કીલ ડેવલપમેન્ટ તથા પ્રોડક્ટ્સ માટે માર્કેટ પણ સુનિશ્ચિત થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. વધુમાં ચાઈલ્ડ હોમના બાળકોનું વયસ્ક થયા બાદ રોજગાર તાલીમ અને સમાજમાં પુનઃ સ્થાપન, પીડિતોના માનવાધિકારોના રક્ષણ માટે કાઉન્સેલરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
વધુમાં ગોયલજીએ જિલ્લામાં બાળકો માટેનું ખાસ પોલીસ સ્ટેશન કમ મલ્ટી પર્પઝ ચાઈલ્ડ સપોર્ટ સેન્ટર અને ક્રેચ ખોલવા સૂચન કર્યું હતું.
ઉપરાંત જિલ્લામાં હજારો લોકો દરરોજ પ્રવાસન માટે આવતાં હોઈ કોઈપણ પ્રકારની આપત્તિ કે અણબનાવની પરિસ્થિતીમાં જિલ્લાનું સમાજ સુરક્ષા, આરોગ્ય માળખું તેમજ વહીવટીતંત્ર સતર્ક અને સજ્જ બને તે રીતે કામ કરવા માટે તાકીદ કરી હતી અને આયોગ તરફથી જરૂરી સહકાર માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી ઉપરાંત દેશમાં વિવિધ જગ્યાઓએ તેમના અનુભવોના ઉદાહરણો ટાંકીને અનુભવસભર તાકીદ કરી હતી.
ઉપરાંત તેઓએ નાગરિકોને માનવાધિકાર ઉલ્લંઘનના કિસ્સામાં માનવાધિકાર આયોગની અવશ્ય સહાય મેળવવા માટે અપીલ કરી હતી. કલેક્ટરએ મોનીટરનું શાબ્દિક સ્વાગત કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભુપેશ જોટાણીયા, તેમજ અન્ય અધિકારીઓ અને સી.એસ. આર. પ્રતિનિધિઓ જોડાયા હતા.