અમદાવાદ, સંજીવ રાજપૂત: શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા દિવાળી ઉત્સવ નિમિત્તે બોપલ મંગલદીપ એપાર્ટમેન્ટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.
આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ મંગલદીપ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવાળી ઊજવવાનો એક નવો વિચાર આપ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે, જેઓ પોતાના નવા આવાસમાં દિવાળીની પ્રથમ વખત ઉજવણી કરવાના છે, તેવા લોકોને પુષ્પગુચ્છ, ચોકલેટ તેમજ મીઠાઈનું વિતરણ કરી અનોખી રીતે શુભેચ્છા પાઠવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ મંગલદીપ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા વધુમાં કહ્યું હતું કે, આપ સૌ પોતાના નવા ઘરમાં પ્રથમ દિવાળીની ઉજવણી કરી રહ્યા છો તો આપ સૌ કેવી લાગણી અનુભવો છો? તે લાગણી શબ્દોમાં કંડારી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વ્યક્ત કરજો, તેમ કહી મંત્રીશ્રીએ પત્ર લખવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આપ સૌને વિનંતી છે કે હાલ જેમ મંગલદીપ સોસાયટીના આવાસો અને કેમ્પસ સ્વચ્છ છે, તેમ ભવિષ્યમાં પણ તેની આવી જ રીતે જાળવણી કરજો.
આ પ્રસંગે મંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓને પુષ્પગુચ્છ ચોકલેટ તેમજ મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, દંડક શીતલબેન ડાઘા, વોર્ડ નિગમના ચેરમેન ધર્મિષ્ઠાબહેન ગજ્જર તેમજ વિસ્તારના કોર્પોરેટરો તથા ઔડા અને અમ્યુકોના પદાધિકારીઓ તેમજ મંગલદીપ આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.