ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાના સેક્ટર 2, 3, 5, 6, 7, 29 અને આદિવાડા વિસ્તારમાં આવેલા ઝૂંપડપટ્ટી અને છાપરા વિસ્તારોમાં વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અંગે રાત્રિ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ વિસ્તારોમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો રહે છે જેઓ દિવસ દરમિયાન મજૂરી કામ કરતા હોવાથી દિવસના સમયે તેમને મળવું મુશ્કેલ બને છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા રાત્રિના સમયે આ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન આશરે 2050 થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને 400 જેટલા છાપરા વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી.
સર્વે દરમિયાન સામાન્ય તાવના શંકાસ્પદ જણાતા 26 લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી 1 કેસ મેલેરિયાનો નોંધાયો છે. આ ઉપરાંત, લોકોમાં વાહકજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે 500 જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મચ્છરોનું પ્રજનન અટકાવવા માટે જરૂરી સાવચેતીઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
દિવાળી પછી ગાંધીનગરમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મજૂર વર્ગનું સ્થળાંતર થાય છે. આને કારણે રોગચાળાની શક્યતા વધી જાય છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આ રાત્રિ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા આગામી મહિનાઓમાં પણ આ પ્રકારના સર્વે ચાલુ રાખશે.