એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી વોલ્ટજ વધ ઘટ થી સોસાયટીના રહીશો ને પરેશાની વેઠવી પડી રહી છે.અચાનક વોલ્ટજ વધ ઘટ થવાથી ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન થાય છે
જેને લઇને સરસ્વતી સોસાયટીના રહીશો દ્વારા છ મહિના પહેલા રાધનપુર યુજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નથી જેને લઇને સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
રાધનપુર મસાલી રોડ કેટલાય સમયથી વોલ્ટજ વધ ઘટ થવાને કારણે વીજ ફોલ્ટ સર્જાતા વીજળી ગુલ થવાના બનાવો છાસવારે બનતા હોય છે ઉનાળાના સમયમાં લો વોલ્ટેજને કારણે પંખા માંડ માંડ ફરતા હોય છે જ્યારે એ.સી.તો ચાલુ પણ થતા નથી હોતા
જેને લઈને મસાલી રોડ પર આવેલ સરસ્વતી સોસાયટીના રહીશો દ્વારા તા.૨૨/૫/૨૦૨૪ ના રોજ રાધનપુર યુજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે રજૂઆત આધારે તાત્કાલિક કામગીરી કરવાની હૈયાધારણા કચેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
પરંતુ યુજીવીસીએલ કચેરી દ્વારા કોઈજ નક્કર કામગીરી કરવામાં ના આવતા આ બાબતે કાર્યપાલક ઈજનેર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર ને વારંવાર ટેલીફોનીક રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી વોલ્ટેજ વધ ઘટની સમસ્યાનું નિવારણ કરવામાં ના આવતા સોસાયટીના રહીશોમાં યુજીવીસીએલ કચેરી સામે રોષ વ્યાપ્યો હતો અને આ બાબતે ઉચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
મસાલી રોડ પર વારંવાર વીજ ફોલ્ટ થાય છે:-
રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીઓમાં રહેતા લોકોના વીજ વપરાશ મુજબ ટ્રાન્સફોર્મર નાખવામાં આવેલા નથી.અને કેટલાક ટ્રાન્સફોર્મર ની કેપેસીટી થી વધુ કનેક્શનો આપવાને કારણે લોડ પડતા વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે.
જેની જાણ યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ ને હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈજ નક્કર કામગીરી આજદિન સુધી કરવામાં આવેલ નથી જેને લઇને ક્યારેક વીજ ફોલ્ટ થી લોકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે તેવી સ્થાનિક રહીશોનું માનવું છે.