Sports

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમતને જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સ્વસ્થ મન અને સ્વસ્થ જીવન માટે વ્યાયામ અને ખેલકૂદ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસકર્મીઓને ફિઝીકલી ફીટ રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે. આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેઓ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ કરે છે. આવા આયોજનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘નેશન ફર્સ્ટ’ની સંકલ્પના સાકાર કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સ્પોર્ટ્સમાં રાજ્યના પોલીસકર્મીઓ પણ સક્રિયપણે જોડાય તે માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ત્રણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન સ્પોર્ટ્સ સ્થાપવાનું પણ આયોજન છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, મુખ્યમંત્રીએ રાજ્યને સ્માર્ટ, સેફ અને સિક્યોર બનાવતા ગુજરાત પોલીસના ઈ-ગુજકોપ, ઈ-FIR, VISWAS, સાયબર સિક્યોરિટી સહિતના પ્રકલ્પોને બિરદાવ્યા હતા.

રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગત એક વર્ષમાં ગુજરાત પોલીસે ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ, ઓલ ઈન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન, ઓલ ઈન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટ જેવી રાષ્ટ્રીય સ્તરની ત્રણ અલગ અલગ સ્પર્ધાઓની યજમાની કરી છે.

વધુમાં વાત કરતાં રાજ્ય પોલીસવડાએ જણાવ્યું હતું કે, પોલીસની કાર્યશૈલી અને કાર્યપદ્ધતિમાં ઉત્સાહ, જોશ અને ભાઈચારો મહત્વના પરિબળો છે. આવી સ્પર્ધાઓ પોલીસકર્મીઓના એકબીજા સાથેના સંબંધો અને સંકલન મજબૂત કરે છે.

સ્પર્ધા વિશે વાત કરતાં વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલી ઓલ ઈન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ૧૨ રાજયો અને ૬ કેન્દ્રીય પોલીસ દળોના ૮૦ જેટલા પોલીસકર્મીઓએ ભાગ લીધો છે. વૃક્ષારોપણ જેવા સામાજિક વિષયને પણ સ્પર્ધાનો ભાગ બનાવીને ગ્રીન ગુજરાત, ગ્રીન ઈન્ડીયા, ગ્રીન વર્લ્ડના મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત પોલીસે પોતાનું યોગદાન આપ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડના ચેરમેન રાજીવ આહીરે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ દેશભરમાં પોલીસ દળો માટે ઘણી સ્પર્ધાઓ યોજે છે. જેના લીધે પોલીસ વિભાગના ખેલાડીઓએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સાણંદના કલ્હાર બ્લુ અને ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે યોજાયેલી ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો તથા સીઆઇએસએફ(CISF), સીઆરપીએફ(CRPF), આસામ રાઈફલ્સ, બીએસએફ(BSF), આઈટીબીપી(TBP), આઇબી(IB) જેવા પોલીસ દળોના પોલીસકર્મીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

આ ટૂર્નામેન્ટમાં ગુજરાત પોલીસના હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમ નેટ કેટેગરીની સ્પર્ધામાં રનર અપ રહ્યા હતા. જ્યારે સ્ટ્રેટ ડ્રાઇવ સ્પર્ધામાં એડમીન આઇજી(IG) શ્રીમતી ગગનદીપ ગંભીર વિજેતા રહ્યા હતા.

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ, ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન આર્યવીર આર્ય, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અગ્રણી હર્ષદગીરી ગોસ્વામી સહીત કેન્દ્રીય પોલીસ દળોના અધિકારીઓ, રાજ્યના પોલીસ વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *