એબીએનએસ, પાલનપુર: સરકારી વિનયન કોલેજ, ભાભરમાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક કુશળતા અને સર્જનાત્મકતા દર્શાવી હતી. કૉલેજે કાઈટ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને રચનાત્મકતા વધારવાનું કામ કર્યું હતું.
સ્પર્ધાની શરૂઆત કૉલેજના આચાર્યશ્રીના પ્રેરણાદાયક ભાષણથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાગળ, ચમકદાર પટ્ટા અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને અનોખી ડિઝાઇનવાળી પતંગો બનાવી હતી. દરેક વિદ્યાર્થીએ પોતાની કલ્પનાશક્તિને ઉડતાં મૂકીને અલગ અલગ પ્રકારની પતંગો બનાવી હતી.
નિષ્ણાતોની પેનલે વિદ્યાર્થીઓની બનાવેલી પતંગોનું નિરીક્ષણ કરીને વિજેતાઓની પસંદગી કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઠાકોર સંજયભાઈ ડી (T.Y.B.A), દ્વિતીય ક્રમાંક મકવાણા અવનીબેનને (T.Y.B.A) અને તૃતીય ક્રમાંક કપરુપુરા આશાબેન (F.Y.B.A)ને મળ્યો હતો. સંસ્કૃત વિષયના અધ્યાપક મહેશભાઈ જોશીએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડો.વી.ટી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.