સંજીવ રાજપૂત, અમદાવાદ: વડોદરાની દીકરી નિશાનું એક અઘરું સ્વપ્ન આખરે સાકાર થયું છે.માર્ગદર્શક નિલેશ બારોટ નો પરિશ્રમ રંગ લાવ્યો છે.લગભગ 16 હજાર કિલોમીટર નો જમીન માર્ગે સાયકલ પ્રવાસ કરીને નિશાએ વડોદરા થી લંડનની મંઝિલ સર કરી છે.એક વર્ષ પહેલા એણે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટ ને તળિયા થી ટોચ સુધી જાણે કે માપી લીધો હતો.
હિમાલયે એને હિમદંશ ની વેદના આપી હતી.એની આંગળીઓ હજુ યુરોપની ઠંડીમાં સોય જેવી વેદના આપે છે.છતાં મક્કમ મનોબળ રાખીને બસો થી વધુ દિવસનો સતત પ્રવાસ કરીને લંડન 0 કિમિ નું લક્ષ્ય હાંસલ કર્યું છે.
આખા પ્રવાસ માર્ગમાં ફક્ત ફ્રાન્સ ના કાંઠે થી બ્રિટન ના કાંઠા સુધી આ પ્રવાસીઓ એ સમુદ્ર માર્ગને બોટમાં પસાર કર્યો તે પછી આજે ઇંગ્લેન્ડ ની ધરતી પર નિશાએ અંદાજે 120 કિમિ સાયકલ અને નિલેશભાઈ એ વાહન ચલાવ્યું હતું.અને તે પછી લંડનની હદમાં પ્રવેશ્યા હતા.
પ્રવાસીઓ નું ઇસ્ટ લંડનમાં એક ગુજરાતી પરિવારે ભાવસભર આતિથ્ય કર્યું હતું અને ગુજરાતી ભોજન પીરસ્યું હતું.આ સ્વાગત થી પ્રવાસીઓ ગુજરાતની ધરતી પર પહોંચી ગયા હોય એવી લાગણી અનુભવી હતી.ખરેખર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ની પંક્તિઓ સાકાર થતી લાગી હતી.
પ્રવાસીઓ નિસડેન ના બાપ્સ સ્વામિનારાયણ મંદિરે યાત્રાનું દેવ દર્શન થી સમાપન કરવાના છે.
વડોદરા થી જમીન માર્ગે નેપાળ , ચીન સહિત ૧૬ જેટલા દેશોનો સાયક્લ પ્રવાસ હજુ સુધી કોઈ પુરુષ કે મહિલાએ કર્યો હોવાની જાણકારી નથી.
એટલે નિશાએ અનન્ય સિદ્ધિ મેળવી છે.તેની સાથે સતત પાછળ પાછળ વાહન માં તેને એસ્કોર્ટ કરીને નિલેશ બારોટે આગવી સિદ્ધિ અંકે કરી છે.આ સાહસિકો એ વડોદરા,ગુજરાત અને ભારતનું નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે.તેમનો આ પ્રવાસ યુવા સાહસિકો ને હંમેશા પ્રેરણા આપશે.