એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. ઢોરની સમસ્યાથી મુક્ત કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરને પકડવા અને માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરનો ઠેર ઠેર અડિંગો જામે છે પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર નામ પૂરતી જોવા મળી રહી છે.
રાધનપુર ભાભર ત્રણ રસ્તા ચોકડી પર રખડતા ઢોર, આખલા અને ગૌવંશ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. ન્યાયલયની કડક ટકોર હોવા છતાં પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ કરાઈ રહી છે.
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 400 કરતાં પણ વધારે ઢોર રસ્તા પર ફરતા હોઈ પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો નાના બાળકો માટે જીવનું જોખમ ઉભું થઈ રહ્યું છે. રાધનપુર શહેરમાં અત્યાર સુધીમાં પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે
અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો અને લોક માંગ ઉઠવા પામી છે.