સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું ગૌરવભેર આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને ભારતીય વાયુસેનામાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાવા માટે પ્રેરણા આપવાના હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 06 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીથી શરૂ કરવામાં આવેલી ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન રોડ કવાયત અંતર્ગત વડોદરા (ગુજરાત) સુધી પ્રવાસ ખેડવામાં આવ્યો હતો
અને વિદ્યાર્થીઓ સાથે તેમના ઘરઆંગણે રૂબરૂમાં સંવાદ કરવામાં આવ્યો હતો. આ વાહને 18 જાન્યુઆરી 2025ના રોજ નવજીવન સાયન્સ કોલેજ તેમજ 20 જાન્યુઆરી 2025ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લીધી હતી.
આ કવાયત દરમિયાન, વિદ્યાર્થીઓએ ભારતીય વાયુસેનામાં કારકિર્દીની તકો પર માળખાગત પ્રેઝન્ટેશનનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વ્યક્તિગત સંવાદ પણ કરવામાં આવ્યો હતો. આ કવાયતની સૌથી આકર્ષક વિશેષતા એ હતી કે, અત્યાધુનિક મોડ્યૂલો અને ફ્લાઇંગ સિમ્યુલેટર, ટચ સ્ક્રીન કિઓસ્ક, વર્ચ્યુઅલ રિયાલિટી સાધનો, વિમાનનાં મિનિએચર મોડેલો, LED ડિસ્પ્લે વગેરે જેવા આકર્ષક ઝોનથી સજ્જ ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહનનો પ્રવાસ તેમાં સમાવી લેવામાં આવ્યો હતો.
સહભાગીઓને વધુ સારી રીતે સમજણ મળી શકે તે માટે અને અહીં થયેલો સંવાદ હંમેશ માટે યાદ રહે તે માટે માહિતીપ્રદ પત્રિકાઓ તેમજ સ્મૃતિચિહ્નો પણ પ્રદાન કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ આ નવીન અભિગમ વિશે ખૂબ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ભારતીય વાયુસેનાની ઊંડી સમજ મેળવી હતી.
આ કવાયતને યુવા ઉમેદવારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને યુનિવર્સિટીઓ તરફથી સમર્થન મળ્યું હતું. બી ટેક અને અન્ય અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો કરી રહેલા સેંકડો યુવા ઉમેદવારોએ આ કવાયતમાં ભાગ લીધો હતો.