ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત 6 સભ્યએ બંડ પોકાર્યું છે.
સરપંચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પંચાયતના કામો અને નાણા પંચના કામોમાં મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સભ્ય પર વિશ્વાસ ન હોય તે રીતે તેમનું વર્તન હોવાથી મામલો વધુ ગરમ બન્યો છે. આ અંગે તલાટીને રજુઆત કરી અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગણી કરી હતી.
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાઉલજી પ્રદીપસિંહ અનોપસિંહ સહિત છ સભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પઢીયાર ગ્રામ પંચાયતમાં હાલ રાઉલજી હરેન્દ્રસિંહ રામસિંહ 3 વર્ષથી સરપંચ તરીકે સેવા આપી રહ્યાં છે.
સરપંચ હરેન્દ્રસિંહ છેલ્લા કેટલાક સમયથી ઠરાવોમાં મનમાની કરી રહ્યા છે. પંચાયત બોડી (સભ્ય)ને વિશ્વાસમાં લેતા નથી અને તેમના લાગતા વળગતાં લોકોમાં કામો કરે છે. તેઓના કરેલા કામોમાં પણ ગુણવત્તા હોતી નથી.
તેઓ પોતાના અંગત આર્થિક લાભ માટેના કામો કરતાં હોય તેવું જણાઇ રહ્યું છે. આથી, સત્વરે બેઠક બોલાવી અવિશ્વાસનો પ્રસ્તાવ સત્વરે મંજુર કરવા માગણી છે.વધુમાં ડેપ્યુટી સરપંચે ઉમેર્યું હતું કે, ગ્રામ પંચાયતના સભ્યોને કરેલા કામોની કોઈપણ ચર્ચા કરવામાં આવતી નથી. જયારે પણ ગ્રામસભા યોજાય છે. તેઓ હાજર રહેતા હોતા નથી. જેને લઈ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.