દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કરવાના અનુસંધાને આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરના સણોસરા ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો.જેમા મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવાની સાથે પ્રતિકરૂપે 13 લાભાર્થી ખેડૂતોને 17.08 લાખ રૂપિયાના સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પી.એમ કિસાન સમ્માન નિધીનો 19મો હપ્તો મેળવનાર તમામ ખેડૂતોને શુભકામના પાઠવતા કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે,આજે નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આપણે કોઈ પણ પ્રકારના વચેટિયાઓ કે દલાલ વગર,સંપૂર્ણ પારદર્શકપણે વર્ષમાં 3 વખત બે-બે હજારનો હપ્તો,સીધા ખેડૂતના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહ્યો છે. ૧૦ કરોડ ખેડૂતભાઈઓને PM કિસાન સમ્માન નિધિનો લાભ મળી રહ્યો છે. અને અત્યાર સુધી આવા ૧૭ હપ્તામાં ૩ લાખ ૪૫ હજાર કરોડ રૂપિયા સીધા કરોડો ખેડૂતોના ખાતામાં પહોચ્યા છે.આ કમાલ આદરણીય પ્રધાનમંત્રીજીની દીર્ઘદ્રષ્ટિની વિચારધારાનો છે!કેન્દ્રિય મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં નાના અને મધ્યમ ખેડૂતો માટે PM-કિસાન યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણાં માટે ગૌરવની વાત એ છે કે, PM-કિસાન વિશ્વની સૌથી મોટી DBT- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે.કૃષિ એ ભારતની વિકાસયાત્રાનું પ્રથમ અને સૌથી મહત્વનું એન્જિન છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં કૃષિનો ફાળો સૌથી અગત્યનો રહેવાનો છે.આપણો ખેડૂત આધુનિક ખેડૂત છે. ટેક્નોલૉજી અને નવીનતા અપનાવીને ખેડૂતો ઉત્પાદન અને આવકમાં વધારો કરી રહ્યાં છે. ખેડૂતોનું આર્થિક સ્તર સુધર્યું છે અને જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને અન્ય બિન પરંપરાગત ખેતીમાં પણ હાથ અજમાવી રહ્યાં છે.આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બજેટમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે આપણાં ભાવનગર જિલ્લામાં હાલ પચાસ હજાર કરતાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે.
ગુજરાતના પ્રજાલક્ષી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે અનેક નવીન પહેલ કરવામાં આવી રહી છે. અને ખેડૂતોનું જીવનધોરણ બદલાઈ રહ્યું છે.આ બતાવે છે કે ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.કૃષિ એ આપણાં દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂત તેની આત્મા અને પ્રાણ છે.ખેડૂતની સુખાકારીમાં સમગ્ર દેશની સમૃદ્ધિ છે અને સરકારે પણ ખેડૂતની દરેક જરૂરિયાતો પૂરી થાય એ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. ખેડૂતો માટે બીજ હોય, ખાતર હોય, સસ્તા દરે લોન હોય કે પછી વેચાણ માટે માર્કેટ હોય, સરકારે દરેક સંભવ પ્રયાસ કર્યા છે.આ વર્ષના બજેટમાં કૃષિ અને અન્નદાતા લક્ષી વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે,ભાવનગરમાં મોટી સંખ્યામાં કપાસ વાવતા ખેડૂતો છે, અને તાજેતરમાં તેમની સુવિધા માટે વલ્લભીપુર તથા ધોળામાં સીસીઆઇનું કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.વધુમાં, MSPમાં વધારો કરી સરકારે ખેડૂતને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર આપ્યું છે. આ વર્ષના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડથી મળતા ઋણની મર્યાદા ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે
કૃષિ ક્ષેત્રે ઇનનોવેશનને પ્રોત્સાહન મળે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલોપ થાય, યુવાઓ જોડાય અને ખેતીને લગતી સમસ્યાઓમાં સંશોધન અને ઇનોવેશ થાય તો આવનારા સમયમાં ભારતનો ખેડૂત વધુ સક્ષમ, આત્મનિર્ભર અને સમૃદ્ધ બની શકે.જો દેશનો ખેડૂત સમૃદ્ધ બનશે, તો દેશ આપોઆપ આત્મનિર્ભર બનશે.આવનારા સમયમાં નવીન સંશોધન, ઇનોવેશન અને સરકારના પ્રયાસો દ્વારા કૃષિ ક્ષેત્ર વધુ વિકાસ પામે, ખેડૂત ભાઈઓને નવી તકો પ્રાપ્ત થાય અને ભારત કૃષિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગેવાન બને એવો સરકારનો દ્રઢ નિશ્ચય છે.
લોકભારતી સણોસરાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અરૂણભાઇ દવેએ કહ્યું કે, ગામડા સધ્ધર બને શહેરો તરફની દોટ ઘટે તેવાં ઉમાદા કાર્ય લોકભારતી સણોસરા કરી રહી છે, અસાધ્ય રોગો વધી રહ્યાં છે તેમ નિષ્ણાતો કહી રહ્યા ત્યારે સહુને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનાં પ્રારંભે સણોસરા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાશ્રી ડૉ.નિગમ શુકલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અંતમા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.એમ.પટેલે આભારવિધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિનીતભાઈ સવાણીએ કર્યું હતું
1200 થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.રાષ્ટ્રીય કક્ષાએથી વડાપ્રધાનશ્રીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધનનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની સાથે 308 જેટલી ગ્રામ પંચાયતો ખાતેથી ખેડૂતોએ નિહાળ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કિસાન સન્માન સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઈ.ચા) ડી.એમ.સોલંકી, શિહોરના પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલિયા,નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એસ.બી.વાઘમશી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) જે.એન.પરમાર, નાયબ બાગાયત નિયામકશ્રી એમ.બી.વાઘમશી, જિલ્લાના મદદનીશ નિયામકશ્રીઓ, જિલ્લાના આગેવાન શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી ભરતભાઈ મેર,સરપંચશ્રી હીરાભાઈ સાંબડ સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ તેમજ ભાવનગર જિલ્લાના કૃષિકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.