રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે આજરોજ ‘નેશનલ સાયન્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોડેલ મેકિંગ કોમ્પિટિશન અંતર્ગત સ્ટુડન્ટ્સ દ્વારા 60 કરતાં વધુ ગણિત અને વિજ્ઞાન આધારિત મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી શિશિરભાઈ ત્રિવેદી, પૂર્વ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પધારેલ હતા. તેમણે ભાગ લીધેલ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડો. ભૌમિક સુતરીયા, સિનિયર સાયન્ટિસ્ટ, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર તથા શ્રી કલ્પેશ પંડયા, બ્લોક રિસોર્સ કોર્ડીનેટર ભાવનગર પધારેલ હતા. જેમાં શાળાના બાળકોએ જુદા જુદા ગણિત અને વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા હતા તથા શિક્ષકો દ્વારા ઇનોવેટિવ ટીચિંગ મેથડ અને એઇડ થીમ પર નવીન તર્ક સાથે મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. ભાગ લીધેલ તમામને સર્ટિફિકેટ તથા ઇનામો આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં વિશેષ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા રોબોટસનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું તથા બેસિક સાયન્સ એક્સપેરિમેન્ટ, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ, DIY કીટસનું ડેમોન્સ્ટ્રેશન, વોટર રોકેટરી, ઓરીગામી તથા જુદી જુદી હેન્ડસ ઓન પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. જેમાં 1000 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આરએસસી ભાવનગર ખાતે ફેબ્રુઆરી મહિના દરમિયાન આયોજિત સાયન્સ કાર્નિવલમાં અંદાજે 5000 કરતાં વધારે ભાવનગર, આણંદ, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ જિલ્લાની શાળાઓના બાળકો તથા મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, તથા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.