તા. ૧ માર્ચ થી ૭ માર્ચ થશે જન ઔષધી સપ્તાહની ઉજવણી
અંબાજી મંદિરમાં સેવા આપતા કર્મચારીઓ માટે આયોજિત કરવામાં આવ્યું હેલ્થ કેમ્પ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરીકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ ભારતભરમાં કૂલ ૧૫,૦૦૦થી વધુ જનઔષધી કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જીકલ આઇટમ બજારકિંમત કરતા ૫૦% થી ૯૦% સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા ૮૦થી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. તા.૦૨ માર્ચ રવિવારના રોજ અંબાજી ખાતે આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે. જન ઔષધી સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા અંબાજી ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ હેલ્થ કેમ્પમાં અંબાજી મંદિર ખાતે સેવા આપતા ૩૨૫ કરતા વધુ કર્મચારીઓના વિવિધ પ્રકારના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા. આ કેમ્પમાં જનઔષધીની દવાઓ, ન્યુટરાસ્યુટિકલ પ્રોડક્ટ તેમજ સર્જીકલ વસ્તુઓ તથા વિવિધ રોગથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું. અંબાજી ખાતે ચાચર ચોકમાં સવારે અને સાંજે તથા ગબ્બર પર્વત પર બપોરે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી