એબીએનએસ, પાટણ: પાટણ જીલ્લાના વારાહી ખાતે પોલીસે મધરાત્રે કતલખાને લઈ જવાતા ઘેટાના બચ્ચાઓને બચાવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વારાહી ગામના પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. એક પિકઅપ ડાલાને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ભગાડી મૂક્યું હતું. પોલીસે પીછો કરીને વાહનને પકડયું હતું. બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
આરોપીઓની ઓળખ ફિરોઝખાન અબ્દુલ ખાન થેબા (રહે. સીધાડા) અને સલીમભાઈ યુસુફભાઈ શેખ (રહે. બામરોલી) તરીકે થઈ છે. બંને સાંતલપુર તાલુકાના રહેવાસી છે.પિકઅપ ડાલામાં તપાસ કરતા અંદરથી 15 ઘેટાના બચ્ચા મળી આવ્યા હતા. આ બચ્ચાઓને કોઈ પણ પ્રકારની સુવિધા વિના ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા હતા. પોલીસે રૂ.30,000ની કિંમતના ઘેટાના બચ્ચા અને રૂ.2 લાખની પિકઅપ ગાડી કબજે કરી છે. આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ 1960 અને બીએનએસ કલમ 281 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ વારાહી પીઆઇ એ પી જાડેજા અને પોલીસ ટીમે મૂંગા અબોલ પશુ બચ્ચાઓનો જીવ બચાવી માનવતાની મિશાલ કાયમ કરતા સરાહનીય કામગીરી દર્શાવી છે જે બદલ અભિનંદનને પાત્ર છે.