ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર જિલ્લાના ગોધરામાં આવેલ સરકારી આઇ.ટી.આઇ. ખાતે યોજાયો હતો.
જેમાં કુલ ૨૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.આ ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રના કુલ ૨૪ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૯૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં સરકારી મહિલા આઇ.ટી.આઇ,ગોધરાના આચાર્ય તથા જિલ્લા રોજગાર અધિકારી, કેરિયર કાઉન્સેલર અને પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંતભાઇ રાણા, એપ્રેન્ટીન્સ એડવાઇઝર તેમજ ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ કેન્દ્ર, ગોધરાના અધિકારી દ્વારા ઉમેદવારોને વિવિધ બાબતો જેવી કે અનુબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ તથા રોજગાર અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૫૦૦ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૨૩૦ ઉમેદવારોની ૨૪ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.