ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે આયોજિત મહા રુદ્રીમાં નાગર પરિવારો સાથે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને જળાભિષેક કર્યા હતા.
શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર દ્વારા 53 વર્ષથી દરવર્ષે હાટકેશ્વર જયંતિ અવસરે સામૂહિક રુદ્રી સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગાંધીનગરમાં વસવાટ કરતા 800 જેટલા નાગર પરિવારો આ પાટોત્સવ પ્રસંગે જ્ઞાતિજનોના સમૂહ ભોજન પ્રસાદ નું પણ આયોજન કરતું આવ્યું છે.
આ વર્ષના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહીને સૌ નાગરજનોને હાટકેશ્વર જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ અને ભાવનગરના ધારાસભ્ય શ્રીમતી સેજલ બહેન પંડ્યા ગાંધીનગર શહેર ભાજપના રુચિર ભટ્ટ તેમજ મહેન્દ્ર ભાઇ દાસ સહિત અગ્રણીઓ અને નાગર પરિવારો પણ જોડાયા હતા. શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર ના યુવા પ્રમુખ પ્રહર અંજારિયાએ આ અવસરે મુખ્યમંત્રીને શોલ, હાટકેશ્વર દાદાની તસ્વીર અને સ્મૃતિ ચિન્હ આપીને નાગર પરિવારો વતી સન્માન કર્યું હતું.