પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટીa સંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશો ની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટ યાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર દિગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુ યાડૅ માં પણ ૪૦ હજાર થી વધુ તમાકુ ની બોરી ની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું તોલ અને રોકડા નાણાં ના વહીવટ ને કારણે પાટણ પંથક સહિત મહેસાણા અને બનાસકાંઠા ના ખેડૂતો પણ વિશ્વાસ સાથે પોતાના ખેત ઉત્પાદન ના પાકોનું વેચાણ કરવા આવે છે.
ત્રણ દિવસની રજા બાદ મંગળવાર થી શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો વાહનો મારફતે પોતાના એરંડા,રાયડો ઘઉં સહિતની જણશો ના વેચાણ માટે આવી પહોંચતા અને માર્કેટ યાર્ડમાં વાહનોના ખડકલા ના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટ યાર્ડના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ના જવાનો એ સુંદર આયોજન ગોઠવ્યું હતું.
તો પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલા હંગામી તમાકુ યાડૅમા પાટણ પંથક સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પોતાના તમાકાના ઉત્પાદન નું યોગ્ય વળતર મળી રહેતું હોય અંદાજીત ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.