પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન બુધવાર, 16 એપ્રિલ, 2025 ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, નરીમન પોઈન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. પડકારોનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહેતા પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને ઓળખવા માટે દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષે રેલવે સપ્તાહની ઉજવણી દરમિયાન, મંડળો અને વિભાગોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવે છે. આ વખતે ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી કરી પશ્ચિમ રેલવેના મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આથી, આ વર્ષે મહેકમ વિભાગની કાર્યક્ષમતા શીલ્ડ ભાવનગર મંડળ અને રાજકોટ મંડળને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે.
ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, ભાવનગર ડિવિઝન, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે આ પ્રતિષ્ઠિત શીલ્ડ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર, શ્રી હુબલાલ જગનને જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા પ્રદાન કરવામાં આવી હતી.
17 એપ્રિલ, 2025 (ગુરુવાર) ના રોજ, ભાવનગર ડિવિઝન ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની આગેવાની હેઠળ આ પ્રતિષ્ઠિત શિલ્ડનું ઢોલ નગાડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેકમ વિભાગ દ્વારા અધિકારીઓના વિશ્રામગૃહથી ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી સુધી એક આનંદ રેલી કાઢવામાં આવી હતી જેમાં મંડળના અધિકારીઓ અને મહેકમ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો.